Delhi

૨ કેસમાં ઇડીએ રૂ. ૧૩૯ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

નવી દિલ્હી
અત્યાર સુધીમાં કુલ ૧૦૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ઇડીએ વર્ષ ૨૦૧૪માં રોઝ વેલી કંપની, તેના ચેરમેન ગૌતમ કુંદુ અને અન્યો સામે કેસ દાખલ કર્યો હતો. કુંદુની કોલકાતામાંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ ચાલી રહી હતી ત્યારે કેન્દ્રીય એજન્સીએ અનેક ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ નોઇડાના બાઇક બોટ પોન્ઝી સ્કીમ મની લોન્ડરિંગ કેસમાં ૧૧૨ કરોડ રૂપિયા અને રોઝ વેલી મની લોન્ડરિંગ કેસમાં ૨૬.૯૮ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. આમ ઇડીએ કુલ ૧૩૯ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે ગ્રેટર નોઇડામાં હેડ કવાર્ટર ધરાવતી બાઇક બોટ ટેક્સી સર્વિસ પર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના ૨.૨૫ લાખ રોકાણકારો સાથે ૩૦૦૦ થી ૪૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગરવિત ઇનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડ(જીઆઇપીએલ) અને તેના પ્રમોટરો સંજય ભાટી અને આ કૌભાંડમાં સામેલ અન્યોની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો હતો. ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં ફલેટ્‌સ, યુનિવર્સિટી, અર્નિ યુનિવર્સિટીની જમીન અને ઇમારતો, ફિક્સ્ડ ડિપોઝીટનો સમાવેશ થાય છે. ઇડીએ આ કેસ નોઇડા પોલીસની એફઆઇઆરને આધારે દાખલ કર્યો હતો. આ સ્કીમની શરૂઆત ઓગસ્ટ, ૨૦૧૭માં કરવામાં આવી હતી. રોેઝ વેલી મની લોન્ડરિંગ કેસમાં જમીન, હોટેલ, બેંક બેલેન્સ અને ડિમાન્ડ ડ્રાફ્ટ સહિતની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રોઝ વેલી ગ્રુપ ઓફ કંપનીએ નકલી સ્કીમો રજૂ કરીને જાહેર જનતા પાસેથી મોટી રકમ એક્ત્ર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *