જે વિસ્તારમાં અમદાવાદ પોલીસને ઘેરી, તે સ્થળે રાજસ્થાન ATS અને કાનપુર પોલીસ પર ગુંડાઓએ હુમલો કરી મોખાબ શિવ પંચાયતના સરપંચના ભાઈ ચન્દ્રપ્રકાશ જાનીને છોડાવ્યો હતો
અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી.પરમાર અને સ્ટાફને વાહનચોર ગેંગના સભ્યોએ પીછો કરી ઘેરી લીધા હતા. પીએસઆઈ પરમારે ચાલાકી વાપરી હુમલો કરવા આવેલા શખ્સોને કહ્યું કે, મારી જોડે ચાર ટીમો 60 માણસો છે. જો તમે કઈ કરશો તો તમારી હાલત ખરાબ થઈ જશે. અમે ચોરીના વાહનો લેવા આવ્યા છીએ તે અમને આપી દો. પીએસઆઈ ના કડાકી ભર્યા અવાજથી ડરી ગયેલા શખ્સોએ પોલીસને ચોરીની ત્રણ ગાડીઓ સામેથી લાવીને આપી દીધી હતી. આજ વિસ્તારમાં રાજસ્થાન એટીએસ અને કાનપુર પોલીસ પર ગુંડાઓએ હુમલો કરી મોખાબ શિવ પંચાયતના સરપંચના ભાઈ અને ઈનામી બદમાશ ચન્દ્રપ્રકાશ જાનીને છોડાવ્યો હતો.
અમદાવાદ શહેરની વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જી.ડામોર, પીએસઆઈ જે.બી.પરમાર, કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ દશરથસિંહ, વિજયસિંહ હનુભા અને લક્ધીરસિંહ રતુભાએ બાતમીના આધારે વાહનચોરીના ગુનાના બે આરોપી મોહનલાલ ઉર્ફ મુન્નો શોભારામ ચારણ (જાટ)(ઉં,24) રહે બાયતુ ચીમનજી, બાયતુ બાડમેર અને જશારામ ઉર્ફ જટુ ગિરધારીરામ લાલ (જાટ)(ઉં,27) ગામ ભીમથલ, તાલુકો ધોરીમના, જિલ્લો બાડમેરની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓ રાજસ્થાનથી લકઝરી બસમાં બેસી અમદાવાદ સુભાષબ્રિજ ઉતરતા હતા. આસપાસમાં પડેલું બાઇક માસ્ટર ચાવીથી ચોરી કરી બાઇક પર અમદાવાદ શહેરમાં ફરી ઇક્કો કાર જોવા મળે તેની ચોરી કરી રાજસ્થાન જતા રહેતા હતા. ચોરીની ઇક્કો કારનો ઉપયોગ દારૂની ખેપમાં થતો હતો.
પોલીસ તપાસમાં આરોપીઓએ 6 ઇક્કો કાર અને 4 બાઇક મળી કુલ 10 વાહન ચોરીની કબૂલાત કરી હતી. વાસણા પોલીસે ચોરીના વાહનો કબ્જે લેવા કવાયત કરી જેમાં ચાર બાઇક કબ્જે લીધા પણ ચોરીની કાર કબ્જે લેવા રાજસ્થાન બાડમેર જવું પડે તેમ હતું. વાસણાના પીએસઆઇ જે.બી.પરમાર સ્ટાફના માણસો અને એક આરોપીને લઈ બાડમેર જિલ્લાના મોખાબ શિવા અને કવાસ ગામે સદા ડ્રેસમાં ગયા હતા.આરોપીઓએ ચોરીની ઇકો કાર જે વ્યક્તિને આપી હતી. તે વ્યક્તિની તપાસ માટે પોલીસે એક લોકલ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
