અજાતશત્રુ હતા નડીઆદના સપુત વીર વલ્લભભાઈ પટેલ
પુજ્ય સરદાર પટેલને સત્યાગ્રહના ઉપસુકાની તરીકે સૌ પ્રથમ સફળતા નડીયાદ થી જ મળી
પુજ્ય બાપુએ સરદાર પટેલને વીર વલ્લભનું બિરૂદ નડીઆદથી જ આપેલું
પુજ્ય બાપુએ ખેડા સત્યાગ્રહની શરૂઆત કરાવી અને તેના ઉપસુકાની સરદાર સાહેબને બનાવ્યા
૧૯૧૭ની સોળમી ફેબ્રુઆરીએ સરદાર પટેલ નડીયાદ આવ્યા અને સત્યાગ્રહનું રણશિંગુ ફેંકાયું
સરદાર પટેલે ગાંધી પ્રભાવે સ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવીને
આઝાદીથી માંડી દેશની અખંડીતતા સુધીના લોખંડી કાર્યો કર્યા
ભારતના વેર વિખેર દેશી રજવાડાઓને એક તાંતણે બાંધનાર સરદાર પટેલની શિક્ષણભુમિ છે નડીઆદ
ગુજરાતની સાક્ષરભુમિ અને સંતરામ મંદિરના જય મહારાજની તીર્થભુમિ નડીયાદ સરદાર વલ્લભભાઇ પટેલ જેવા સપુતને જન્મ આપનારી ખમીરવંતી વીરભુમિ પણ છે. નડીયાદ સાથે પુજ્ય સરદાર સાહેબનો અનોખો નાતો રહ્યો છે. નડીયાદ એટલે પુજ્ય સરદાર પટેલની જન્મભુમિ, વિધાભુમિ અને સેવાભુમિ. શ્રી સરદાર પટેલે નડીયાદથી જ શાળા શિક્ષણના પાઠ લીધા છે. તેમને નડીયાદથી જ ખેડા સત્યાગ્રહના ઉપસુકાની તરીકે સૌ પ્રથમ સ્વતંત્રતાની ચળવળમાં સફળતા મળી હતી. તેથી જ પુજ્ય બાપુએ તેઓશ્રીને વીર વલ્લભનું બિરૂદ પણ અહિંથી જ આપેલું હતુ.
ચરોતરના પાટનગર નડીયાદમાં ઇ.સ ૧૮૭૫માં દેસાઇ વગામાં એમનું મોસાળ ઘર જ્યા માતા લાડબાઇએ અખંડ ભારતના શિલ્પીને જન્મ આપ્યો હતો. આજે એ ઘર, ઓરડો, તેમાં ભોંયતળીયાના ઓરીજીનલ પથ્થરો, છતની વળીઓ અને પતરા, ઘોડીયું, દિવાલ કબાટો, તસ્વીરો બધા જ પોતાના સપુત સરદારના જન્મ સમયના સાક્ષી તરીકે અડીખમ ઉભા છે. સરદાર પટેલનું જન્મ સ્થળ એક ગૌરવવંતુ વીર-તીર્થ છે.
નડીયાદના મોગલકોટ વિસ્તારમાં હેરીટેજ વેલ્યુ ધરાવીને અડીખમ ઉભેલી વિદેશી નળીયાવાળી હાઇસ્કુલમાં સરદાર પટેલ ૧૮૯૫માં દાખલ થયા હતા. આમ તો તેમને નવ વર્ષની ઉંમર સુધી શાળાએ મુક્યા જ ન હતા. એ પછી કરમસદ અને એકાદ વર્ષ પેટલાદમાં પ્રાથમિક શિક્ષણ પુરૂ કરીને તેઓ મેટ્રીક થવા નડીઆદમાં આવેલા તે સમયે નડીઆદની ગવર્મેન્ટ હાઇસ્કુલ ગણાતી તે જ હાઇસ્કુલમાં ૨૨ વર્ષે તેઓશ્રી મેટ્રીક થયેલા નડીયાદની આ શાળામાં આજે પણ તેમનો એ સમયનો વર્ગખંડ, તે બેસતા હતા એ પાટલી બધુ જ સવાસો વર્ષે પણ સુંદર રીતે જળવાયું છે. તેઓશ્રીએ ગાંધી પ્રભાવે આપણી સ્વાતંત્ર્યની લડતમાં ઝંપલાવીને તેમણે આઝાદીથી માંડી દેશની અખંડીતતા સુધીના લોખંડી કાર્યો કર્યા છે.
ભારતના વેર વિખેર દેશી રજવાડાઓને એક તાંતણે બાંધનાર સરદાર પટેલની શિક્ષણભુમિ નડીયાદ જ રહી છે. વાત કરીએ તો ઇ.સ ૧૯૧૭માં ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડુતોનો પાક નિષ્ફળ ગયો. ગોરી સરકારે દયાવિહીન થઇને ખેડુતો ઉપર આકરો કરવેરો નાખ્યો. આ વાત પહોંચી ગાંધીજી સુધી તેઓએ હિન્દુ અનાથ આશ્રમ આવીને ખેડા સત્યાગ્રહની શરૂઆત કરાવી અને તેના ઉપસુકાની સરદાર સાહેબને બનાવ્યા. ૧૯૧૭ની સોળમી ફેબ્રુઆરીએ સરદાર પટેલ નડીયાદ આવ્યા અને સત્યાગ્રહનું રણશિંગુ ફેંકાયું. ઇન્દુલાલ યાજ્ઞિક વગેરેના સથવારે વલ્લભભાઇએ ખેડાના ખેડુતોને એક કર્યા તે વખતના અંગ્રેજ કમિશ્નર મિ.પ્રેટે સરદાર સાહેબની સુકાની સામે હાથ હેઠા મુક્યા અને ભારતના ઇતિહાસમાં આ પહેલા ફુલલેન્થ સત્યાગ્રહમાં ખેડુતોને પુરેપુરી સફળતા મળી.
૧૯૨૦ની અગીયારમી જુલાઇએ નડીઆદમાં રાજકીય પરીષદની સભા મળી હતી. જેમાં સરદારે અસહકારની ચળવળનો ઠરાવ રજુ કરેલો જે બહુમતીથી પસાર થયેલો. પછી તો આખા દેશમાં અસહકારની ચળવળ ચાલી, જામી અને અંગ્રેજોના મુળીયા ઉખેડવામાં સફળતાનો પાયો બનેલી. એ વખતે સરદાર પટેલ નડીયાદ આવીને સંતરામ મંદિરમાં સભાઓ ભરી નવજીવનમાં અનેક લેખો લખીને અસહકારની ચળવળ માટે ચરોતરવાસીઓને માર્ગદર્શન, શક્તિ અને ઉત્સાહ પુરા પાડ્યા હતા. એ પછી સરદાર સાહેબ માત્ર નડીયાદ કે કરમસદ કે ગુજરાતનાય નેતા મટીને સારાયે દેશના નેતા બન્યા.
આમ દરેક ચળવળમાં સરદાર પટેલની પડખે નડીઆદના અગ્રણી આગેવાનો હરહંમેશ રહ્યા છે અને પુજ્ય સરદાર પટેલે પણ એમને સાથે રાખીને જન્મભુમિના અહોભાવને દર્શાવ્યો છે.