Gujarat

આણંદમાં જાગનાથ મહાદેવ ટ્રસ્ટની લાખોની એફડી વાપરી, મંદિરની કરોડો રૂપિયાની મિલ્કતો પચાવી પડવાની બાબતે પોલીસ માં ફરિયાદ

આણંદ
આણંદ અને આસ પાસ ના હજારો ભક્તો માટે આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર એવા અતિપ્રાચીન જાગનાથ મહાદેવ ટ્રસ્ટને ગેરરીતી કરી રૂ. ૨૫ લાખની ૨૫ વર્ષ જૂની ફિક્સ ડિપોઝીટને વાપરી નાખવાની અને મંદિરની મિલ્કતોને સદગત મહંત રમેશપુરીએ મહંત શુભમપુરીના નામે કરી તમામ મિલ્કતો હડપવાનું કાવતરું રચ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં અગાઉ લગભગ ૮ માસ પહેલા મૃત્યુ પામેલા મહંત રમેશપુરી તેમજ મહંત શુભમપુરી ઉપરાંત ટ્રસ્ટી રમણ પરસોત્તમભાઇ પટેલ વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ શહેરના અતિપ્રાચીન જાગનાથ મહાદેવના ટ્રસ્ટમાં ઘાલમેલ બાબતે ટ્રસ્ટી રવિન્દ્ર મણિભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મંદિર ટ્રસ્ટમાં ફરિયાદી રવિન્દ્ર પટેલ ઉપરાંત મનુભાઇ મણિભાઇ પટેલ, રમણભાઇ પી. પટેલ, મંદિરના મહંત રમેશપુરી અને ગોવિંદપુરી નામે પાંચ ટ્રસ્ટી છે. ટ્રસ્ટના કોઇપણ નાણાંકીય કે અન્ય વ્યવહારમાં મુખ્ય ટ્રસ્ટી ઉપરાંત અન્ય એક ટ્રસ્ટીની સહી જરૂરી હોય છે. મંદિરમાં ભક્તો દ્વારા કરાયેલા દાનની રૂ. ૨૫ લાખની રકમની ૨૫ વર્ષ પહેલા એફ. ડી કરાઇ હતી. આ તમામ એફ ડીના નાણાં ગત ઓગસ્ટ માસમાં ઉપાડી લઇ રમણ પટેલ અને સદગત મહંત રમેશપુરીએ અંગત કામ માટે વાપરી નાણાંકીય છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
થોડા વખત પહેલા રવિન્દ્રભાઇ પટેલના ધ્યાન પર આવ્યું હતું કે આણંદની યુકો બેન્ક કે જ્યાં ટ્રસ્ટનું ખાતું ચાલે છે તેમાંથી ટ્રસ્ટની જાણ બહાર લાખો રૂપિયાનો ઉપાડ થયો છે. જે મુજબ ૮ જુલાઇ ૨૦૧૯ના રોજ રમણ પટેલ અને રમેશપુરીની સહીથી રૂ. ૪૪ હજાર, ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આ બંનેની સહીથી રૂ. ૫ લાખ અને ૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પણ આ બંનેની સહીથી રૂ. ૧૭.૫૦ લાખ ઉપાડવામાં આવ્યા હતા. આ બાબતથી બાકીના ટ્રસ્ટી અજાણ હતા એટલું જ નહીં આ ઉપાડેલા નાણાં મંદિર કે ટ્રસ્ટના વિકાસ માટે નહીં પરંતુ અંગત રીતે વાપરી નાખ્યાનું ધ્યાન પર આવ્યું હતું. બાકી હતું તો આ શુભમપુરીએ ટ્રસ્ટની ઠરાવ બુકમાં ચેકચાક કરી મંદિરના મહંત તરીકે પોતાની નિમણુંક થઇ હોવાની વિગતો ટ્રસ્ટીઓની જાણ બહાર તેમાં ઉમેરી દીધી હતી. ઉપરાંત વધુ એક ચેકચાક કરી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પોતે હોવાનું પણ તેમાં ઉમેરી દીધું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે પોલીસ ઇન્સપેક્ટર વાય. આર. ચૌહાણે તપાસ હાથ ધરી છે. આઠ માસ પહેલા મૃત્યુ પામેલા મહંત રમેશપુરી દુર્ગાપુરી એ જાણતા હતા કે તેઓ માત્ર ટ્રસ્ટી જ છે, મંદિરની મિલ્કત પર કોઇ માલિકી હક્ક નથી ધરાવતા છતાં જાગનાથ મહાદેવ, દત્તાત્રેય – હનુમાનજી મંદિર, ગુરૂકળ, જાગનાથવાળી, હોલ, મંદિરની બહારની દુકાનો ૨૮.૦૧.૨૦૨૦ના રોજ તેમના વિશ્વાસુ મહંત શુભમપુરીના નામે વીલનામું કરી આપ્યું હતું.

Jagannath-Mahadev.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *