રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ વોર્ડ નંબર ૯ માં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી સ્થાનિકોને પીવાના પાણી માટેની બહુ મોટી સમસ્યા હતી કેમ કે અહીંના લોકોને પીવાના પાણી ભરવા માટે દૂર જવું પડતું સાથે આ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસા દરમિયાન પણ વરસાદના અને રોડના પાણી પણ ઘરમાં ઘૂસી જતાં હોવાની પણ સમસ્યાઓ હતી અને સ્થાનિકોની ઘરવખરી પણ બગડી અને પલડી જતી. આ પાણી ભરાવાના પગલે અહીંયા માંદગી પણ ઘર કરી જતી અને લોકો બીમારીનો પણ ભોગ બનતા.
આવી સમસ્યાઓના નિરાકરણ લાવવા સ્થાનિક સુધરાઈ સભ્ય રિયાઝ હિંગોરા અને તેમના પિતા દ્વારા આ વિસ્તારમાં પોતાના અંગત પૈસા વાપરી અને આ વિસ્તારમાં પીવાના પાણીની નવી લાઈનો નંખાવી હતી. આ ઉપરાંત અહીંના સ્થાનિક લોકોને ૨૪ કલાક પાણી મળે તે માટે પણ વધારાના અંદાજે ૧૫ થી ૨૦ જેટલા બોર કરી લોકોને ૨૪ કલાક પાણીની સગવડ મળી રહે તે માટેના પ્રયાસો કર્યા છે. સુધરાઈ સભ્ય અને તેમના પિતાની આવી ઉમદા કામગીરીથી સ્થાનિકોમાં પણ ખુશીઓ છવાઇ ગય છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ આ તકે મળી ગઈ છે. ત્યારે આ તકે ઉપલેટા શહેરની અલગ અલગ દસ જેટલી સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
