ઉનાના મેણ ગામમાં છેલ્લા દશ દિવસથી વન્યપ્રાણી સિંહ પરીવાર તેના બચ્ચા સાથે આવી પશુઓ પર હુમલા કરી મારણ કરતા હોવાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે.
મેણ ગામમાં રાત્રીના સમયે વન્યપ્રાણી સિંહ પરીવાર ત્રાટકતા ગામમાં અફડા તફડી મચી ગયેલ હતી. બે દિવસ પહેલાજ સિંહ આવી ચડતા મંગાપશુ પર હુમલો કરી મારણ કરેલ હતું. ત્યાં ગત બુધવારે રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ સિંહ, સિંહણ અને તેના બચ્ચા સાથે કડકડતી ઠંડી વચ્ચે શિકારની શોધમાં આવી ચડ્યા હતા. અને ગામના વણકરવાસ વિસ્તારમાં ભટકતી ગાય ઉપર સિંહ પરીવારે હુમલો કરી દેતા પશુઓમાં અફડા તફડી મચી ગયેલ ત્યારે આજુબાજુમાં રહેતા લોકો જાગી જતાં સિંહબાળ પરીવાર સહીત ગામમાંથી નજીકની વાડી વિસ્તારમાં નાશી છુટેલ હતા. અને ઇજાગ્રસ્ત ગાયને ગામના સેવાભાવી લોકોએ વહેલી સવારે બળદ ગાડામાં લઇ જઇ સારવાર કરાવી હતી. આમ છેલ્લા દશ દિવસથી મેણ ગામમાં સિંહના ધામાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. વનવિભાગ દ્વારા આ વન્યપ્રાણીને દૂર જંગલ તરફ ખદેડવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે…