Gujarat

કોર્ટના ચૂકાદા અને ૪ વિભાગોના આદેશ છતા સફાઇ કામદારો ગટરમાં ઉતરવા મજબૂર

ગાંધીનગર
રાજ્યના પંચાયત વિભાગે તેના આદેશમાં કહેલું છે કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સફાઇ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવી નહીં, કારણ કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે પણ કહ્યું છે કે રાજ્યના મહાનગર તેમજ પાલિકા વિસ્તારમાં કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારવા નહીં, જ્યારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ પ્રમાણે આવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગટરના કામો મશીનરીથી કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં હજી પણ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતારવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓમાં સુરત અને અમદાવાદ ટોચક્રમે છે છતાં શહેરના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી, જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે જવાબદારો સામે માત્ર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે. ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પછી રાજ્યના ચાર વિભાગોએ આદેશ બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપી છે કે ગટરની સફાઇના કામ માટે કોઇપણ કામદારને અંદરમાં ઉતારવા નહીં પરંતુ મશીનરીના અભાવે કામદારોને સફાઇનનું કામ સોંપવામાં આવે છે પરિણામે ગંભીર દુર્ઘટના બને છે. સામાજીક અધિકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અદાલતના ચૂકાદા અને સરકારના આદેશ છતાં કામદારોને ગટરમાં ઉતારવાની કામગીરી ચાલુ છે. સરકારના શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે છતાં નાના-મોટા શહેરોમાં કરૂણ ઘટનાઓ સામે આવે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, અમરેલીમાં બે, સાબરકાંઠામાં એક, સુરેન્દ્રનગરમાં એક અને રાજકોટમાં એક કામદારનું ઝેરી ગેસના કારણે મોત થયાં છે. આ કામદારો ગટરની સફાઇ કરવા માટે ગટરલાઇનમાં ઉતર્યા હતા અને ગૂંગળાઇ જવાથી મોતને ભેટ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *