ગાંધીધામ
ગાંધીધામ અને કંડલા વચ્ચે રોજના અનેક વાહનોની અવરજવર રહેતી હોય છે બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન હોવા છતાં તેની સામે ઓવર સ્પીડથી વાહનો દોડતા રહે છે. તો આ ઓવરબ્રીજ નીચે દબાણની સાથે મોટા વાહનોના ચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાને કારણે પણ નાના મોટા અકસ્માતો ભૂતકાળમાં સર્જાઇ ચૂક્યા છે તેમ છતાં કડક કાર્યવાહી હાથ ધરાતી નથી.ગાંધીધામના રેલ્વે સ્ટેશન સામેના પુલિયા પાસે પગે ચાલીને જઇ રહેલો યુવાન એસટી બસ નીચે ચગદાઇ જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો અંજારના સતાપર થી લાખાપર વચ્ચે બોલેરો ટકરાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા એક્ટિવા ચાલક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મુળ ઝારખંડના રામગઢનો ૪૦ વર્ષીય બ્રુહસ્પતિ પનિરપુજાર માલપરિયા હજી બે માસ પૂર્વે જ પોતાના વતનમાંથી ભચાઉ ખાતે આવેલી અણુશક્તિ કંપનીમાં મજૂરીકામે લાગ્યો હતો. ગત બપોરે ત્રણ વાગ્યે બ્રુહસ્પતિ તેના ગામના જ મકલુ જીનેશ્વર માંઝી, અજય લછુગીરી તથા અન્ય એક વ્યક્તિ સાથે વતન જવા ભચાઉથી ગાંધીધામ બસમાં આવ્યો હતો. તેઓ પગે ચાલીને રેલ્વે સ્ટેશન જઇ રહ્યા હતા ત્યારે રેલ્વે સ્ટેશનના પુલિયા પાસે જ પૂરપાટ આવી રહેલી એસટી બસનો જાેટો તેના ઉપરથી ફરી વળતાં પેટથી લઇ ગુપ્ત ભાગ ચગદાઇ જતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાબતે મૃતકના તેની સાથે જ અણુશક્તિ કંપનીમાં રહેતા કાકાઇ ભાઇ પુલસીયા સોનુ પુજહરે એસટી બસના ચાલક વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ ડી.જી.પટેલે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી બે મહિના પહેલાં જ રોજી રોટી માટે કચ્છ આવેલા યુવાનના ઝારખંડ રહેતા પરિવારમાં માતમ છવાયો હતો. તો અંજારની ગુલાબમીલ પાસે રહેતા લક્ષ્મીબેન પોતાના નણંદ ભાવના બેન સાથે તા.૨૨/૧૨ ના રોજ એક્ટિવા લઇ લખાપર પોતાના પીયર જઇ રહ્યા હતા ત્યારે સતાપર થી લાખાપર વચ્ચે રોંગ સાઇડમાં ઉભેલી બોલેરોમાં એક્ટિવા ટકરાતાં લક્ષ્મીબેનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ભાવનાબેનને ફ્રેક્ચર સહિતની ઇજા થઇ હતી. લક્ષ્મીબેનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હોવાનું તેમના પતિ મનજીભાઇ જુસાભાઇ કોલીએ અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. બોલેરો ચાલક જ ઇજાગ્રસ્ત બન્નેને અંજાર હોસ્પિટલ લઇ ગયો હતો ત્યારબાદ વાહન મૂકી નાસી ગયો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. ગાંધીધામનાન એસટીસ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન એક જ લાઇનમાં આવેલા છે રેલ્વે સ્ટેશન તો પુલિયાની સામે જ હોવાને કારણે વાંધો આવતો નથી પરંતુ બસ સ્ટેશન જવા માટે એસટી બસ ચાલકોને પણ રોંગ સાઇડમાં કિલોમીટર સુધી જવું પડે છે, તો એસટી જતા મુસાફરોને પણ આ જ રીતે રોંગ સાઇડમાં જવું પડે છે. જેના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે.