ગાંધીનગર
દેશભરમાં હની ટ્રેપમાં ફસાવી બ્લેક મેઈલ કરીને રૂપિયા પડાવી લેવાના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહેતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં બેઠા બેઠા કુવૈતમાં નોકરી કરતા વ્યક્તિને પણ હની ટ્રેપ માં ફસાવી ૧૨ લાખ પડાવી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવની વિગતો મુજબ સાબરકાંઠામાં રહેતી મહિલાએ વિજય નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ કુવૈત ખાતે રહીને નોકરી કરે છે. જેમના ફેસબુક આઈડી પર રાધા પારઘી નામનાં એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવી હતી. જેનો તેના પતિએ સ્વીકાર કર્યો હતો. શરૂઆતમાં આડી અવળી વાતોનો દોર ચાલ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે ફેસબુક મેસેન્જર તેમજ વોટ્સઅપ પર વાતો થવા લાગી હતી. એ રીતે રાધા નામની મહિલાએ તેના પતિ સાથે વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. સમય જતાં બન્ને વચ્ચે વાતચીતનો દોર વધવા લાગ્યો હતો. ત્યારે મહિલાએ પોતાની માતા બિમાર હોવાની વાત કહી હોસ્પિટલ નાં ખર્ચ પેટે રૂપિયાની માંગણી કરી હતી. જેનાં પગલે તેણે કુવૈતથી રૂ. ૨ લાખ મોકલી આપ્યા હતા. બાદમાં સમય જતાં ફરીવાર પોતાની નોકરી માટે રૂ. ૧૦ લાખ સિક્યુરિટી ડિપોઝીટ પેટે એકાઉન્ટમાં બતાવવાનાં હોવાની વાત કરી મહિલાએ ઈમોશનલ બ્લેક મેઈલિંગ કર્યું હતું. ત્યારે આ વખતે પણ કુવૈતથી ૧૦ લાખની વ્યવસ્થા કરી આપી હતી. જે અંગે સાબરકાંઠાના વિજય નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. આ ગુનાની તપાસ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ પી. એલ. વાઘેલાએ શરૂ કરતાં હ્યુમન ઈન્ટેલિજન્સ થકી સુશીલા ઉર્ફે રાધા કપિલદેવ મેઘવાલ ( આંબેડકર કોલોની મહાવીર નગર બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હની ટ્રેપ ગોઠવી ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રૂ. ૧૨ લાખ જેટલી રકમ રાધાએ પડાવી લીધી હતી. જેમાં તેનો પતિ કપિલદેવ પણ સામેલ છે. આ રૂપિયાથી દંપતીએ ઘર બનાવ્યું તેમજ કાર અને બુલેટ પણ ખરીદયાં હોવાની હકીકત સામે આવી છે. હાલમાં કપિલદેવને ઝડપી લેવા કવાયત શરૂ કરાઈ છે.સોશિયસ મીડિયાના માધ્યમથી ફેક એકાઉન્ટ બનાવી કુવૈતનાં વ્યક્તિ સાથે મિત્રતા કેળવી હની ટ્રેપમાં ફસાવી વિશ્વાસ સંપાદન કરી એનકેન પ્રકારે બ્લેક મેઈલ કરી રૂ. ૧૨ લાખ ખંખેરી લેનાર રાજસ્થાની મહિલાને ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લઈ ગુનો ઉકેલી દેવામાં આવ્યો છે. ત્યારે પતિ સાથે મળી હની ટ્રેપ કરનાર મહિલાએ ૧૨ લાખ રૂપિયામાંથી ઘર બનાવી, કાર તેમજ બુલેટ પણ ખરીદી લીધા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.
