Gujarat

ગીર: કુદરતી સંપતિનો અમુલ્ય ખજાનો અને એશિયાટીક સિંહોનું ઘર

ગીર:
કુદરતી સંપતિનો અમુલ્ય ખજાનો અને એશિયાટીક સિંહોનું ઘર

18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

19મી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ગીર તથા આજુબાજુના વિસ્તારના જંગલમાં સિંહની સંખ્યા રાજા-રજવાડાઓ દ્વારા તથા બ્રિટિશ અધીકારીઓ દ્વારા કરાતા શિકાર-ટ્રોફી હન્ટિંગને કારણે માત્ર 60 થી 100 સુધીની થઈ ગઈ હતી. સન 1900માં જૂનાગઢ રાજયના નવાબ સાહેબ રસુલખાનજી એ બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝન ને સિંહના શિકાર માટે આમંત્રણ આપેલ પરંતુ તે સમયે બોમ્બેના એક અંગ્રેજી સમાચારપત્રમાં કોઈ જાગૃત નાગરિકે લખેલ પત્ર પ્રસિદ્ઘ થયેલ. જેમાં ‘વાઇસરોય કે તોડફોડીયા?’ શીર્ષક હેઠળ પ્રસિદ્ઘ થયેલ પત્રમાં લખવામાં આવ્યું હતું કે જો આ રીતે શિકાર થતા જ રહેશે તો નજીકના ભવિષ્યમાં ધરતી પર એશિયાઇ સિહોનું અસ્તિત્વ જ નહીં રહે એવી ભીતિ પ્રદર્શિત કરવામાં આવેલ હતી.

જોકે લોર્ડ કર્ઝનની જાણમાં આ સમાચાર આવ્યા અને તેથી તેઓ ગીરમાં શિકારે જવાને બદલે જુનાગઢથી જ પાછા ફરી ગયા હતા. પરત ફરતી વખતે તેઓએ નવાબ સાહેબને અનુરોધ કરેલ કે હવેથી સિહોનાં શિકાર બંધ કરી, તેમનું સંરક્ષણ કરવાની જરૂર છે. માત્ર એક જાગૃત નાગરિક કે એક દૈનિક સિહના સંરક્ષણમાં કેટલું મહત્વનુ યોગદાન આપી શકે તેનું આ સચોટ ઉદાહરણ છે! આમ તો નવાબ રસુલખાનજી ના પૂર્વજ નવાબ મહબતખાનજી બીજા એ સન 1879 માં વન્ય પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ મુકતા નિયમો બનાવેલ, પરંતુ જુદા જુદા કારણોસર તેનો કડકાઇથી અમલ થઈ શકયો નહોતો.

જૂનાગઢના છેલ્લા નવાબ મહબતખાનજી ત્રીજા એ સિંહ તથા બીજા વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે સઘન પગલાં લીધા. ભારતની આઝાદી પછી પણ રાજય તેમજ કેન્દ્ર ની ઉત્ત્।રોતર સરકારો, વૈજ્ઞાનિકો, બિન સરકારી સંસ્થાઓ, સમાચાર માધ્યમો અને સ્થાનિક લોકોના મૂલ્યવાન પ્રદાનથી ગીરના એશિયાટીક સિંહની વસ્તી અત્યારે 700 આસપાસ પહોંચી છે અને દક્ષેણ સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિલોમીટરમાં વસી રહ્યા છે.

છેલ્લા બાર દાયકામાં ગીર જંગલ અને સિંહોએ ચડાવ-ઉતાર જોયા છે. 18 સપ્ટેમ્બર, 1965ના દિવસે ગીર જંગલના 1412.13 ચોરસ કિલોમીટરને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. તેથી 18 સપ્ટેમ્બર એક મહત્વનો અને યાદગાર દિવસ છે. અને ગીર અભયારણ્યનો 55 મો જન્મદિવસ છે!

તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા એક રસપ્રદ સંશોધન કરવામાં આવેલ છે. અત્યાર સુધી આફ્રિકન સિંહ અને એશિયાયી સિંહ, એમ બંનેને થોડી અલગ પ્રજાતિ માનવામાં આવતી હતી. નવા સંશોધન મુજબ જાણવા મળેલ છે કે મધ્ય અને પશ્ચિમ અફ્રિકાના સિંહો અને ભારતના સિંહોમાં ઘણું સામ્ય છે. તેથી હવે ગીરના સિંહ પણ વૈજ્ઞાનિકોની ભાષામાં ‘પેન્થેરા લીઓ’ કહેવાય છે.

ઘણા લોકોને ખ્યાલ નહિ હોય કે ગીરમાં જુદા જુદા 13 જાતના નિવાસ્થાન – જંગલો છે. સાગ, ખાખરો, ટીમરૂ, સીસમ, ગોરડ, કરમદા, જેવા જુદા જુદા હેબિટેટસ સિંહ તથા અનેક પશુ-પક્ષીઓને સાનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે.

કોવિડ-19 તેમજ ચોમાસાને લઈને સાત મહિના પછી તારીખ 16 ઓકટોબરથી મુલાકાતીઓ માટે ગીરનું જંગલ ખુલી રહ્યું છે. ગીર ઇન્ટરપ્રીટેશન ઝોન, દેવળિયા 1લી ઓકટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ સમયે પ્રવાસીઓને જણાવતા આનંદ થાય છે કે જંગલમાં 38 જાતના સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, ઝરખ, ટપકાવાળા હરણ, ચિંકારા, ચોશિંગા, સાબર, શેઢાળી, કીડીખાવ, ઘોરખોદિયું, તામ્રવર્ણ ટપકાવાળી બિલાડી, વિગેરે વસે છે.

આપણું રાષ્ટ્રીય પક્ષી મોર, ચોટલીયો સાપમાર ગરુડ, ચોટલીયો બાજ, નવરંગ, દૂધરાજ, પીળક, વૂડપેકર, રાજ ગીધ, કલકલિયો, શીંગડીયો ઘુવડ, વિગેરે જેવા 300 જાતિના સુંદર પક્ષીઓ છે. એટલે જ તો જાણીતા પક્ષીવિદ ડોકટર સલીમ અલીએ એક વખત કહ્યું હતું કે ગીર જો સિંહનું અભયારણ્ય ન હોત તો જરૂર એક સુંદર પક્ષી અભયારણ્ય હોત.

આ ઉપરાંત ગીરમાં અજગર, કોબ્રા, રૂપસુંદરી, મગર, કેમેલિયોન, વિગેરે જેવા 37 જાતિના સરીસૃપ છે અને આશરે 2000 જાતના કીટકો પણ વસે છે. ત્યાં બારે માસ વહેતી સાત નદીઓ છે.

ગીર અભ્યારણ્ય ને 55 વર્ષ પૂર્ણ થયા છે આ સમય ગાળા દરમિયાન એશિયાટિક સિંહો ની સંખ્યા 100 થી 700 થઈ ગઈ છે. વન વિભાગના પ્રયત્નો અને ગીરની ગરીમાંથી એશિયાટીક સિંહોએ ગિરને એક આકર્ષણનું કેન્દ્ર બનાવી દીધું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એશિયાટીક સિંહોની રંજાડ વધતી જાય છે.આ માટે ખાસ કદમ ઉઠાવવાની જરૂર છે. સાથે સાથે એશિયાટીક સિંહોના સ્વાસ્થ્ય અંગે વધુ તકેદારી રાખવાની આવશ્યકતા છે. કુદરતી સંપત્તિનો આ અમૂલ્ય ખજાનો એ આપણી પહેચાન છે. સિંહોનું રક્ષણ અને સંવર્ધન સતત કરવું જરૂરી છે. નહીં તો આ પ્રજાતિને લુપ્ત થતા વાર નહિ લાગે.

ગીર અભ્યારણ ના જન્મ દિવસ નિમિત્તે : ગીર ની હૈયા ની વાતો

ગીર ને જરૂર છે માલધારી ની : માલધારી ને જરૂર છે ગીર ની

આજના દિવસે 1965 માં ગીર ને સરકારે રાષ્ટીય ઉઘાન અને અભ્યારણ તરીકે જાહેર કરેલ છે.

રાષ્ટ્રીય ઉઘાન ની વ્યાખ્યા પ્રમાણે જંગલ વિસ્તાર માં માનવ વસવાટ ના થઈ શકે અને ગાય,ભેસ,ઘેટા,બકરા ને ચારવા માટે ના લઇ જઇ શકાય.

ગીર ના જંગલ માં વસતા માલધારીઓ અને વન્ય પ્રાણીઓ એકમેક થી જુદા પાડી શકાય તેવા નથી. નાના બાળકો પણ જંગલ મા એવી રીતે રમતા હોય છે જાણે કે શહેર ની શેરીઓ મા રમતા હોય,

સિંહ એટલે શહેર મા વસતા લોકો માટે નવાઈ નો વિષય પણ અહી જાણે સાવજ એટલે કે ‘ સાખ પાડોશી ‘ તેઓ સિંહ થી ડરતા નથી.

વન્ય પ્રાણીઓ અને માલધારીઓ નું જીવન એકબીજા સાથે સહકાર ભર્યું છે તેમની વચ્ચે સંઘર્ષ થતો નથી કે નુકશાન કરતા નથી. ગીર નો માલધારી સંપૂર્ણ શાકાહારી છે.

એટલે કે ખોરાક બાબતે તેમની અને સિંહ ની વચ્ચે કોઈપણ જાત નો સંઘર્ષ થતો નથી. જ્યાં માલધારી ત્યાં સિંહ. ગીર મા જ્યાં નેસ નાબૂદ થયા ત્યાર થી સિંહો એ પણ ઉચાળા ભર્યા છે.

જ્યારે કોઈ સિંહ ના મૃત્યુ ના સમાચાર જાણવા મળે ત્યારે કોઈ પરિવારજનો એ વિદાય લીધી હોય તેવો અનુભવ થાય છે.
ગીર ના જંગલ માં આઝાદી સમયે 3000 જેટલા નેસ હતા. શરૂઆત માં તબક્કે ગીર વિસ્તાર માં કુલ 129 નેસ નો સમાવેશ થતો હતો .
ઇ. સ. 1972 થી 1986 સુધી કાર્યરત રહેલ માલધારી પુનઃ સ્થાપન યોજના હેઠળ મોટા ભાગના લોકોએ સંપૂર્ણપણે જંગલ છોડી દીધું .જ્યારે અન્યોએ જંગલ નો અંશતઃ ત્યાગ કર્યો હતો.
હાલ ના તબક્કે રાષ્ટ્રીય ઉદ્યાન ના વિસ્તાર માં કોઈ માલધારી નેસ નથી. જ્યારે અભ્યારણ માં 54 નેસ છે. જેમાં અસ્થાયી માલધારી નો પણ સમાવેશ થાય છે. પૂર્વ ગીર વિભાગ માં 24 અને પશ્ચિમ ગીર વિભાગ મા 30 નેસ છે. જેમાં 14 વનવસહતી ગામો નો પણ સમાવેશ થાય છે, જેમાં પશ્વિમ વિભાગ મા 9 ગામ અને પૂર્વ વિભાગ મા 5 ગામો આવેલા છે. જે પૈકી પશ્વિમ ગીર વિભાગ મા હાલ માં 26 નેસ મા માલધારીઓ વસે છે. 3 નેસ મા કોઈ માલધારીઓ વસતા નથી.
ઇ.સ. 1979 માં સરકારે બરડા આલેચ ને પણ અભ્યારણ તરીકે જાહેર કર્યા, રાજા ના સમય માં આઝાદી સમયે બરડા માં પણ અનેક નેસો માં માલધારી વસવાટ કરતા હતા.
નેસ ની અંદર રહેતા માલધારી ને લીધે વન્યજીવો ને નુકશાન થઇ રહ્યુ છે તેવા બહાના હેઠડ માલધારી નેસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.તેમનુ સ્થાંળતર કરવામાં આવ્યુ હતુ. આ ભોળો માલધારી સમાજ એ સરકાર સામે દલીલ કર્યા વગર પોતાનો માલ-ઢોર લઇ જંગલ ની આજુબાજુ ના ગામડા માં સ્થાંળતર કર્યું હતુ..

ભૌગોલિક આઇસોલેશન, સામાન્ય જનસમુદાય થી અળગી અને સતત ઘાસચારા અને પાણીની તલાશમાં ભટકતું જીવન ગાળતી, કાચા હંગામી ઝુંપડા એટલેકે નેસડાઓમાં જ જીવન ગુજરાતી રબારી, ભરવાડ અને ચારણ જાતિઓ ને સને ૧૯૫૬ માં અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરવામાં આવેલી. અનેક પરિવારો આજે પણ ગીર, બરડો અને આલેચના જંગલોના નેસવિસ્તારો માં જ રહે છે. આ ભોળી પ્રજા ફરજીયાત કે સ્વેચ્છાએ સ્થળાંતર કરી ગીર સાથે જોડાયેલા આઠ દશ કિલોમીટરના વિસ્તારોમાં માલઢોર લઇ રહેવા લાગી, આજે પણ આ ગામો બહાર નેસડાઓ જેવુંજ પરંપરાગત જીવન ગુજારે છે. આજે એમના અનુસૂચિત જનજાતિ તરીકે ના આ બંધારણીય અધિકારો પણ ઝુંટવાઈ રહ્યા છે.

જો માલધારી સમાજ આજે પણ ગીર મા હોત તો બની શકે કે સિંહો ની વસ્તી પણ વધી હોત અને સિંહો અકાળે મૃત્યુ ના ભોગ બનતા અટક્યા હોત..
આભાર…મહાદેવ હર.

– શ્રી નિલેશ ભેસાનીયા ની FB પોસ્ટ પરથી સાભાર 🙏

IMG-20211019-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *