Gujarat

ગુજરાતમાં ઉત્તરાયણ બની લોહીયાળ, 2,771 ઈમરજન્સી કેસ, 6ના મોત

Uttarayana 2021: ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ઉત્સાહ સાથે ઉજવવામાં ( Uttarayana Celebration) આવ્યો. કોરોના મહામારીના (Corona Pandemic) કારણે કેટલાક નિયમોનું પાલન કરવા સાથે લોકોએ આ પર્વની ઉજવણી કરી, પરંતુ ઉત્સાહ વચ્ચે આ પર્વ લોહિયાળ પણ બન્યો છે. જેમાં પતંગ લૂંટવાની લ્હાયામાં ધાબા પરથી પટકાયા હોવાના અને દોરી વાગવાથી ઈજા થયાના અનેક બનાવો બન્યા છે. આ સિવાય કેટલાક પક્ષીઓ પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે.

સમગ્ર રાજ્યમાં સાંજે 8 વાગ્યા સુધી 2,771 ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. જેમાંથી 207 બનાવો ધાબા પરથી પડી જવાના અને દોરી વાગવાના બન્યા છે.

ભરૂચ, સાણંદ અને રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સુરતમાં ધાબા પરથી પટકાતા એક બાળકનું મોત થયું છે.

આ સિવાય અમદાવાદ પાંજરાપોળમાં પતંગના દોરાથી ઘવાયેલા 400 જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે, તો રાજકોટ અને વડોદરામાં ધાબા પર DJ વગાડવા મામલે 1-1 કેસ નોંધવામાં આવ્યા છે.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પતંગની દોરી એક યુવકના ગળામાં ફસાઈ જતાં તે લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે 108ને જાણ કરવામાં આવી હતી. જો કે 108ને આવવામાં વિલંબ થતાં એક રાહદારી પોતાની કારમાં યુવકને હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવક મોતને ભેટ્યો હતો. જ્યારે રાજકોટમાં ગઈકાલે બપોર સુધી 50થી વધુ પક્ષીઓ પતંગના દોરાના કારણે ઘવાયા હતા. જેમની કરુણા અભિયાન કેમ્પમાં સરકારની ગાઈડલાઈન મુજબ PPE કિટ પહેરીને વેટરનીટી તબીબો દ્વારા સારવાર થઈ રહી છે.

આજ રીતે સાણંદમાં તબેલા ચોકડી નજીક પતંગની દોરી વાગતા એક બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યાં પંચમહાલમાં દોરી વાગતા બે યુવકો મોતને ભેટ્યા હતા. વેજલપુર ગામ નજીક દોરી વાગવાથી 40 વર્ષના એક વ્યક્તિનું અને ગોધરા હાઈવે પર પણ દોરી વાગવાથી એક જણના મોતની ઘટના સામે આવી છે.

આ સિવાય રાજ્યના અનેક શહેરોમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલો ઉડાડવામાં આવી હતી. જ્યારે અમદાવાદમાં પણ જાહેરનામાનું ભંગ કરતાં ઠેર-ઠેર આતશબાજીના દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *