અમદાવાદ
દેશ અને ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના સંકટને જાેતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ખૂબ નિયંત્રિત રીતે કરવામાં આવી શકે છે. દર વખતે આ સમિટના મુખ્ય ડાયસ પર સંખ્યાબંધ દેશોના વડાં અને ઉદ્યોગપતિઓ બેસે છે, પરંતુ આ વખતે ખૂબ જૂજ સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહેશે. મળતી માહિતી પ્રમાણે દરેક ફંક્શન અને સેમિનારમાં માત્ર ૪૦૦ લોકો મહત્તમ સંખ્યામાં હાજર રહે તેવું આયોજન વિચારાઇ રહ્યું છે. તેમાં પણ જે લોકોને એમઓયુ સાઇનિંગ માટે હાજર રહેવાનું છે તેઓને જ હાજર રાખવા પર ભાર મુકાશે. જ્યારે સેમિનાર્સમાં નિષ્ણાંત તરીકે કે ભાગ લેનારાં લોકો ઓનલાઇન માધ્યમથી જાેડાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, પરંતુ રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને તેમના મોબાઇલ નંબર પર ઓનલાઇન જાેડાવવા માટે વેબસાઇટની લિંક અને પાસવર્ડ મોકલી આપવામાં આવશે. વિદેશી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર આસપાસની હોટલોમાં આઇસોલેશન સેન્ટરો બનાવાશે. ગુજરાત સરકારે વિદેશી મહેમાનોના આગમન બાદ તેમને કોવિડ પ્રોટોકોલ અનુસાર આઇસોલેટ કરવા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, હિંમતનગર, વડોદરા શહેરની હોટલોમાં આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સમારોહ સ્થળે આવનારાં અતિથીઓને ભોજન માટે પણ બુફેને બદલે પેકેજ્ડ લંચ આપવા સુધીની વ્યવસ્થા વિચારાઇ રહી છે.