ગાંધીનગર: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે, જ્યાં હવે એક ફોન કરીને યુવાઓ રોજગારી, અભ્યાસ અને કારકિર્દી સબંધી જાણકારી મેળવી શકશે. આ માટે ગુજરાત સરકારે રોજગારીની જાણકારી આપતું દેશનું પ્રથમ ઓનલાઈન કૉલ સેન્ટર “રોજગાર સેતુ” (Gujarat Rojgar Setu Call Center) શરૂ કર્યું છે.
CM રૂપાણીએ મંગળવારે આ કૉલ સેન્ટરનું (Gujarat Rojgar Setu Call Center) વર્ચ્યૂઅલ લોકાર્પણ કરતા જણાવ્યું કે, “હર હાથ કો કામ” સુત્ર સાર્થક કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે.
કૉલ સેન્ટરના નંબર 6357390390 પર ફોન કરીને યુવા રાજ્યના કોઈ પણ જિલ્લામાં શિક્ષણ કે રોજગાર સાથે સંકળાયેલી અને સરકારી યોજનાઓ અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે. આ સાથે જ મુખ્યમંત્રીએ એપ્રેન્ટિસશિપ યોજના પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આ અંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું કે, આ કૉલ સેન્ટર “રોજગાર સેતુ”ની (Gujarat Rojgar Setu Call Center) વિશેષતા એ છે કે, તેના થકી યુવાઓ જિલ્લા રોજગાર કાર્યાલય સાથે સીધો સંપર્ક કરી શકે છે. કૉલ પૂરો થયા બાદ યુવાઓએ SMS થકી રોજગાર કાર્યાલયની જાણકારી પણ મોકલવામાં આવશે.
