ગાંધીનગર
ગુજરાત ના પાટનગર માં વાયબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓના ભાગરૂપે શહેર ના માર્ગોને વધુ ઝળહળતા કરવા અને અકસ્માતના બનાવો નિવારવા માટે શહેરના ૨૦૦ થી વધુ જંકશન પર આઠ લાખના ખર્ચે સોલાર બ્લિંકર્સ લાઇટો લગાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉ સોલાર લાઈટોના થાંભલાની બેટરીઓની ચોરીની ઘટનાઓ બનતાં હવે આ વખતે આ સમસ્યાના નિરાકરણ માટે ઇન બ્યુલન્ટ બેટરી વાળી સોલાર લાઈટોથી જંકશનોને ઝળહળતા કરવામાં આવશે.
જાન્યુઆરી ૨૦૨૨ મહિનામાં યોજાનારા વાયબ્રન્ટ મહોત્સવના ભાગરૂપે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દઈ શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. મહોત્સવના સમયે આવનારા વિદેશી મહેમાનો ગાંધીનગરના બ્યૂટીફિકેશનને જાેઈ મંત્રમુગ્ધ થઈ જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગરનાં માર્ગો પર ગતિ નિયંત્રણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જંકશનો પર સોલાર બ્લિંકર્સ લાઈટના થાંભલા લગાવવામાં આવ્યા હતા.
આ થાંભલાની લાઈટો ઝબૂકતી રહેતી હોવાથી દૂરથી જ વાહન ચાલકોને માર્ગો પરના જંકશન અંગેનો ખ્યાલ આવી જતો હોય છે અને વાહનોની ગતિ નિયંત્રણમાં રહે છે. જેના પગલે ભૂતકાળમાં ૨૫૫ સ્થળોએ સોલાર બ્લિંકર્સ લાઈટો મુકાઈ હતી. પરંતુ અત્યાર સુધીમાં ૨૨૦ બ્લિંકર્સ લાઈટોની બેટરીઓ ચોરાઈ જવાના કારણે થાંભલા બિન ઉપયોગી સાબિત થયા હતા. આ અંગે વિભાગ દ્વારા પોલીસમાં પણ ફરિયાદો કરાઈ હતી પરંતુ સમસ્યાનું નિરાકરણ આવી શક્યું નહોતું.
