-
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
- યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાની જાહેરાત સાથે ચર્ચાનો અંત
ગાંધીનગર:
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા પુરી થયા બાદ ઓનલાઇન પરીક્ષા કયારે લેવામાં આવશે તે મુદ્દો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતો. આખરે ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. 13મી ફેબ્રુઆરીથી ઓનલાઇન પરીક્ષા લેવાની વિધિવત જાહેરાત કરી દેતા ચર્ચાનો અંત આવ્યો છે. જો કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા.13મી ફેબ્રુઆરીથી ઓનલાઇન પરીક્ષા લેવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. તેના માટે યુનિવર્સિટી દ્વારા કડક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ઓનલાઇન પરીક્ષા પહેલા 11મી ફેબ્રુઆરીના રોજ મોક ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થી મોકટેસ્ટ આપશે નહી તે ઓનલાઇન પરીક્ષા આપી શકશે નહી. એટલું જ નહીં આ અગાઉ તા.8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ પરીક્ષાના મહાવરા માટે 10 પ્રશ્નોની ટ્રાયલ ટેસ્ટ લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રાયલ ટેસ્ટ વિદ્યાર્થીઓ એકથી વધારે વખત પણ આપી શકશે.
ઓનલાઇન પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને મુંઝવતા જુદા જુદા 13 પ્રશ્નોના જવાબ પણ પરીક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોના આધારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેવી રીતે આપવી તે નક્કી કરી શકશે. ઓનલાઇન પરીક્ષા પહેલા તા.11મીએ સવારથી લઇને સાંજ સુધી દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓની જુદા જુદા સમયે ઓનલાઇન મોક ટેસ્ટ લેવામાં આવશે. વિદ્યાર્થીઓે માટે આ ટેસ્ટ ફરજિયાત છે. વિદ્યાર્થીઓનુ મેઇલ આઇડી અને મોબાઇનલ નંબર યુનિવર્સિટીની વેબસાઇટ પર નોંધાયેલા હોવા જરૂરી છે.
ઓનલાઇનમાં ફ્રેન્ટ કેમેરા સાથેનો સ્માર્ટ ફોન, વેબકેમ સાથેનુ લેપટોપ અથવા ડેસ્ટટોપનો ઉપયોગ કરી શકાશે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી 512 કેબીપીએસ કે તેથી વધારે હોવી જરૂરી છે. પરીક્ષાના સમયે અન્ય કોઇ ફોન ન આવે તેની તકેદારી રાખવાની રહેશે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ એપ્લીકેશન બંધ રાખવી પડશે. વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલુ હોય ત્યારે સ્ક્રીન બદલી શકશે નહી, એકઝામ પેજ દૂર કરી અન્ય કોઇ એપ્લીકેશન ખોલી શકશે નહી. જો આમ કરશે તો વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે.
આગામી તા. 5મી અને 6ના રોજ વિદ્યાર્થીઓને તેમના મોબાઇલ અને ઇ-મેલ પર યુઝર આઇડી અને પાસવર્ડ અને પરીક્ષા માટેની લીંક મોકલવામાં આવશે. પરીક્ષા એમસીક્યુ પ્રમાણે કુલ 50 પ્રશ્નોના જવાબ 50 મિનિટમાં આપવાના રહેશે. એક પ્રશ્ન માટે એક મિનિટ આપવામાં આવશે. એક મિનિટ પછી આપોઆપ પ્રશ્ન દેખાતો બંધ થઇ જશે. જેથી વિદ્યાર્થી જવાબ આપી શકશે નહી. પરીક્ષામાં કોઇ મુશ્કેલી સર્જાય તો ફોન નંબર આપવામાં આવ્યો છે તેના પર ફોન કરવાનો રહેશે.
વિદ્યાર્થીઓની તમામ પ્રક્રિયાનુ રેકોર્ડિગ કરાશે
ઓનલાઇન પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની તમામ સીસ્ટમનુ રેકોર્ડીંગ કરાશે. પરીક્ષા દરમિાયન વિદ્યાર્થીએ પોતાની જગ્યા છોડવાની નથી. જો જગ્યા છોડે અથવા તો કોઇપણ ગેર વર્તણૂકને રેકોર્ડ કરવામાં આવશે તો પરીક્ષા સ્થગિત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ફોન કોલ, નોટિફિકેશન રીસીવ કે એક્સેપ્ટ કરશે તો તેને ગેરવર્તણૂક ગણવામાં આવશે.


