ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister Of Gujarat) વિજય રૂપાણી GIDC નિગમના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જ્યાં તેમણે સરકાર દ્વારા GIDCના પ્લોટની ઓનલાઈન ડ્રો પદ્ધતિથી ફાળવણી, નવી વસાહતો, મોડલ એસ્ટેટ અને બહુમાળી શેડના નિર્માણની મોટી જાહેરાત કરી છે.
CM રૂપાણીએ (Vijay Rupani) રાજ્યના 8 જિલ્લાઓમાં 987 હેક્ટર જમીન પર નવી ઔદ્યોગિત વસાહતો (GIDC) સ્થાપવાની જાહેરાત કરી છે. જેમાં મોરબી ખાતે આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનવા જઈ રહેલી ઔદ્યોગિત વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સજ્જ એક મોડલ એસ્ટેટ બનશે.
આ સિવાય દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હાલની ઔદ્યોગિક વસાહતોને પણ તમામ મૂળભૂત અને હાઈટેક સુવિધાઓ સાથે ડેવલોપ કરીને મોડલ એસ્ટેટ બનાવાશે.
જ્યારે રાજ્યના 5 જિલ્લા વલસાડ, સુરત, ભરુચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડનું નિર્માણ કરવામાં આવશે.
આ નવી GIDCથી જાલોત્રા બનાસકાંઠાના માર્બલ કટિંગ, પૉલિશિંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરના બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, પાટણના ઓટો એસેસરી ઉદ્યોગ, રાજકોટના મેડિકલ ડિવાઈઝ ઉદ્યોગ તથા આણંદ-મહીસાગરના ઈજનેરી ઉદ્યોગોને લાભ મળશે.
આ નવી GIDCથી MSME સેક્ટરને 500 થી 2000 ચોરસ મીટરના 2,570 પ્લોટ્સ અને મોટા ઉદ્યોગોને 10,000 થી 50,000 ચોરસ મીટરના 337 પ્લોટ્સ ઉપલબ્ધ થશે. આટલું જ નહીં, નવી GIDCના નિર્માણથી 20,000થી વધુ નવી રોજગારીની તકોનું નિર્માણ થશે.


