પાટણ
હારીજના જસોમાવ ગામમાં ગામની કુલ વસ્તી ૧૯૦૦ની છે અને મતદારો કુલ ૧૨૦૦ છે. તો ગામના વિકાસ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગામમાં કેટલાક વિસ્તારમાં વિકાસના કામો થયા છે, તો પરા વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગામના વિકાસના કામોમાં પૂર્વ સરપંચ દ્વારા ભેદભાવની નીતિ રાખવામાં આવી છે. જેને લઇને ગામના પરા વિસ્તારમાં રોડ, સ્ટ્રીટ લાઈટ, શૌચાલય, ભૂગર્ભ ગટર સહિતની પાયાની સુવિધાઓના અભાવના કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. ઉપરાંત રસ્તા પર ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને અવર-જવર કરવામાં તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ બાબતે ગામનાં પૂર્વ સરપંચે પરા વિસ્તારનાં લોકો દ્વારા કરાઈ રહેલાં આક્ષેપોને પાયા વિહોણા લેખાવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે પરા વિસ્તારમાં પોતાના સરપંચ કાયૅકાળ દરમિયાન તેમણે શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી છે. તો રોડ-રસ્તાનાં પણ કેટલાક કામો કરવામાં આવ્યા છે. સરકારની ગ્રાન્ટ આવ્યા મુજબ ગામની સાથે સાથે પરા વિસ્તારમાં પણ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારના કેટલાક ભાગોમાં પેવર બ્લોક પણ નાખવામાં આવેલા છે. તો સ્ટ્રીટ લાઈટો પરા વિસ્તારમાં જ નહીં પરંતુ આખા ગામમાં કોઈ જગ્યાએ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં સરકારમાંથી આવેલી ગ્રાન્ટમાંથી શક્ય તેટલા ગામનાં વિકાસના કામો પૂર્ણ કયૉ હોવાનુ જણાવ્યું હતુંપાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર પૂરજાેશમાં આરંભી દેવામાં આવ્યો છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. પાટણના હારીજ તાલુકાના જસોમાવ ગામમાં આવેલા પરા વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાયાની સુવિધાઓ ન મળતા ઉમેદવારોનાં ચૂંટણી પ્રચારના સમયે જ પરા વિસ્તારનાં ગ્રામજનો ઢોલ વગાડીને મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા. તેમજ તેમની મુશ્કેલીઓની રજૂઆત કરી પૂવૅ સરપંચ સામે આક્ષેપો કરી સુત્રોચ્ચાર કર્યા હતા. પાટણ જિલ્લામાં યોજાનાર ગ્રામપંચાયતો ચૂંટણીની વાત કરીએ તો કુલ ૧૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં ૧૫૨ સરપંચ અને ૯૬૫ વોર્ડ સભ્યોનું રાજકીય ભાવિ નક્કી થશે. નોંધનીય છે કે પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કુલ ૧૦ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે.
