જામનગરની ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે.જી.ચૌધરી અને એસઓજીના પીઆઇ એસ. એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ગઢવી તથા જુદી જુદી ટીમો ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસ ટીમને જામજોધપુરના જામવાડીમાં એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ભરત અંબાવીભાઇ પટેલના મકાનમાં દરોડો પાડ્યો હતો. જે દરોડા વેળા અંદરથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ૫૩૫ નાની મોટી બોટલો તેમજ બીયરના ૯૬ ટીન મળી આવ્યા હતા.
આથી પોલીસે સ્થળ પરથી પરેશ ઉર્ફે પરીયો છગનભાઇ હિગરાજીયા (રે.જામજોધપુર)ને પકડી પાડી રૂ.૩.૩૯નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સ આ દારૂ-બીયરનો જથ્થો વેચાણના ઇરાદે ભાગીદારીમાં ભરત ભડાણીયા અને જામજોધપુરના પ્રફુલ્લ ઉર્ફે ડકુ પરસોતમભાઇ સીતાપરા સાથે મળી મુંબઇના સાગર નામના સપ્લાયર પાસેથી મેળવ્યો હોવાનુ ખુલ્યુ હતું. આથી પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો. પકડાયેલા શખસની પૂછપરછ સાથે મુંબઇના સપ્લાયરને પકડી પાડવા માટે પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
