જેતપુર (હરેશ ભાલિયા)
જેતપુર શહેરમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિલાયતી શરાબના વિરોધમાં આગામી 11મી નવેમ્બરના રોજથી શહેર કોંગ્રેસના મહામંત્રી એવા શારદાબેન વેગડા પોતાની સાથે 35, 40 જેટલી મહિલાઓને રાખીને ઉપવાસ આંદોલન છેડશે તેવી ચીમકી આપી છે. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે શું કરશે તે સમય જ બતાવશે.
જેતપુર શહેર એક સાડી નગરી તરીકે દેશવિદેશમાં પ્રખ્યાત છે. અહીં મોટા ભાગના કારખાનાઓમાં મજૂરીકામ માટે પરપ્રાંતિય મજૂરો કામ કરતા હોવાથી શહેરમાં દેશી અને અંગ્રેજી દારૂ દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ઠેકાણે દેશી દારૂ અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
જાગૃત લોકોના આક્ષેપો છે કે પોલીસને નિયમિત દર મહિને હપ્તા મળી જતા હોવાથી તેઓ દારૂના બૂટલેગરો સામે કોઈપણ પ્રકારના પગલા ભરતા નથી. હવે જેતપુરમાં સંપૂર્ણ દારૂબંધી માટે કોંગ્રેસના મહિલા આગેવાન શારદાબેન વેગડા મેદાને પડયા છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું છે કે જ્યાં સુધી જેતપુરમાં અંગ્રેજી અને દેશી દારૂનું વેચાણ બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન ચલાવશે.
આ મહિલા આગેવાને એવું પણ જણાવ્યું કે પોતાના ઉપવાસ આંદોલનમાં મોટેભાગે દારૂની બદીમાં સપડાઈને મોતને ભેટેલા પુરુષોની વિધવા મહિલાઓને સાથે રાખશે. તેમણે આક્રોશ સાથે કહ્યું કે જેતપુરમાં અનેક કુટુંબો દેશી દારૂની બદીમાં બરબાદ થઈ ગયા છે. જેતપુર શહેરના છેવાડાના વિસ્તારોમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી રહી છે. દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બુટલેગરોને પોલીસની લેશમાત્ર બીક નથી. તેઓ સમયાંતરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ કહે છે કે જેતપુર શહેર પોલીસના તેઓ બધાને મોટી રકમના હપ્તાપહોંચાડે છે.
પરિણામે તેઓનો ધંધો દિવસેને દિવસે ફૂલીફાલી રહ્યો છે. આવો વિડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુર શહેરમાં દેશી અંગ્રેજી દારૂના બુટલેગરો અને પોલીસની રીતસરની મીલીભગત ચાલી રહી છે. જેતપુર શહેર પોલીસ મોટાભાગના દારૂના બુટલેગરના નામ અને મોબાઈલ નંબર પોતાના મોબાઈલમાં રાખે છે.
ગાંધીનગરની વિજિલન્સ શાખા જેતપુરના અમુક પોલીસ અધિકારીઓ અને ડી સ્ટાફના પોલીસમેનના મોબાઈલ ચેક કરીને કોલ ડીટેલ કઢાવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠશે તેટલા દારૂના બુટલેગરોના નામ અને મોબાઈલ પોલીસના મોબાઈલમાંથી મળશે.
અમારા ગોપનીય સૂત્રોએ ત્યાં સુધી કહ્યું કે જેતપુર પોલીસમાં અમુક પોલીસમેનોને ખાસ પ્રકારે દારૂના બુટલેગર પાસેથી પૈસા ઉઘરાવવા ની સત્તા અપાઇ છે. ડી સ્ટાફના આવા પોલીસમેનના મોબાઈલ કબજે કરી છેલ્લા ત્રણ થી છ મહિનાની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો અનેક બુટલેગરના મોબાઇલ નંબર યેનકેન પ્રકારે અલગ નામથી સેવ કરેલા પોલીસના હાથમાં આવશે પરંતુ આ માટે રાજકોટ જિલ્લા પોલીસ નહીં પરંતુ ગાંધીનગરથી વિજિલન્સ બ્રાન્ચને જેતપુરમાં ત્રાટકવાની જરૂર છે.
અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરમાં દેશી દારૂ અને વિલાયતી દારૂની મોટે પાયે હેરાફેરી તેમજ વેચાણ થતું હોવાના અનેક અખબારી અહેવાલો પછી પણ સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પણ કોઈ અસરકારક પગલા ભર્યા નથી. આનો અર્થ એ થાય કે રાજકોટ જિલ્લા પોલીસ વડાને પણ યેનકેન પ્રકારે આર્થિક લાભ પહોંચાડાતો હોવાનો જ જાગૃત માણસોનો આક્ષેપ છે.
આ બાબતે જે હોય તે પણ હવે જેતપુર શહેર અને તાલુકા પંથકમાંથી દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરી તેમજ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે શહેર કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડા આગામી 11મી નવેમ્બર થી જેતપુરમાં પોલીસ સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે. ત્યારે આ મહિલાને પોતાનું આંદોલન પોલીસ ચાલુ કરવા દેશે કે કોઈ નિર્ણય લઈને જેતપુરમાંથી દારૂની બદી હલ કરવા કોઈ પગલાં ભરશે તેવા સવાલના જવાબની જાગૃત લોકોમાં રહસ્ય
બોક્સ : દારૂબંધી માટે સરકાર-પોલીસની કોઈ ઈચ્છા શક્તિ જ નથી : એડવોકેટ નિલેશ પંડ્યા
જેતપુર : જેતપુર શહેરના જાણીતા એડવોકેટ નિલેશ પંડયાએ મીડિયા સમક્ષ એવા સનસનાટી ભરેલા આક્ષેપો કર્યા હતા કે પ્રવર્તમાન સરકાર અને પોલીસ તંત્રની દારૂબંધી કડક બનાવવાની કોઈ ઈચ્છા શક્તિ જ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશના સીમાડા સુરક્ષિત હોવાનું અવાર-નવાર અખબારી નિવેદનમાં જાહેર કરાઈ છે. પરંતુ પરપ્રાંતીય રાજ્યોમાંથી લાખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં કેમ પહોંચે છે તે તપાસનો વિષય છે.
તેમણે આક્રોશ સાથે કહ્યું કે દારૂબંધી માટે સૌ માત્ર ડંફાસો જ મારે છે કોઈ વાસ્તવિક પગલાં લેતા નથી. અનેક લોકો દારૂના ખબરમાં હોમાઈ ગયા છે. રોજબરોજ અનેક દારૂડિયાઓ ભાન ભૂલીને રોડ ઉપર ચત્તાપાટ પડ્યા હોય છે. દારૂની બદી આવા શખ્સોમાં એટલી હદે ઘર કરી ગઈ છે કે તેઓ ભાન ભૂલી જાય તેટલો દેશી દારૂ પીને પછી રોડ ઉપર છાકતાવેળા કરે છે અથવા તો ઊંધે માથે પડ્યા હોય છે.જેતપુર પોલીસ આવા દારૂડિયાઓ પાસેથી પસાર થાય છે, પરંતુ તેમને જગાડવાનો કે તેમની સામે કોઇ કાર્યવાહી કરવાનો લેશમાત્ર પ્રયાસ કરતી નથી. પરિણામે પોલીસની પણ દેશીદારૂના બૂટલેગરો સાથે સાંઠગાંઠ હોવાની વાત શંકા ઉપજાવે તેવી છે.
એક જવાબદાર વકીલ તરીકે નિલેશ પંડ્યા એવો પણ આક્રોશ વ્યકત કર્યો કે જ્યારે જ્યારે આ બુટલેગરો દારૂ સાથે પકડાયેલ છે ત્યારે ત્યારે માત્ર ને માત્ર લોક અદાલતોમાં નજીવો દંડ કરીને છોડી દેવામાં આવે છે. ન્યાયતંત્ર ખરેખર જો અસરકારક અને કડક કાર્યવાહી કરે તો દારૂ વેચનારા અને પીનારા લોકો સુધરી શકે તેમ છે.
બોક્સ: મારા ધણીનો દારૂએ ભોગ લીધો : કાંતાબેન દેગડા
જેતપુર : જેતપુરમાં દેશી દારૂની બદી કેટલી હદે વકરી છે અને આ દારૂની બદીમાં કોણ કોણ બરબાદ થયું છે તે વાતનો અમારા દ્વારા જાણવાનો પ્રયાસ કરાતા રૂંવાડા ઉભા થઈ જાય તેવી હકીકત મળી હતી. જેતપુરના એક વિસ્તારના કાંતાબેન દેગડા નામના મહિલાએ પત્રકારોને કહ્યું હતું કે પોતે અત્યંત ગરીબાઈમાં થી પસાર થઇ રહ્યા છે. ઘરનો એક માત્ર તેમના પતિ મોભી હતા. પરંતુ દારૂ પીવાની સખત ટેવથી અંતે તેમને ગંભીર બીમારીએ ઘરી લેતા તેમનું મૃત્યુ થયું છે. કાંતાબેને રડમસ સ્વરે કહ્યું હતું કે ઘરનો મોભી ચાલ્યો જતાં હવે તેના નાના બાળકોનું ભરણપોષણ પણ મુશ્કેલ બન્યું છે.
બોક્સ : દારૂની બદી હલ ન થાય ત્યાં સુધી આંદોલન કરીશ : શારદાબેન વેગડા
જેતપુર : મીડિયા સામે બોલતા શહેર કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જેતપુર શહેરમાં ચારેબાજુ દેશી દારૂ અને અંગ્રેજી દારૂનું ધૂમ વેચાણ થાય છે. પોલીસને બધી ખબર હોવા છતાં કોઈપણ પ્રકારના દરોડા પાડતા નથી. આનો મતલબ એ થાય છે કે બુટલેગરો દ્વારા પોલીસને મોટી રકમનો નિવેધ નિયમિત પહોંચાડવામાં આવે છે. એ કારણે જેતપુર શહેરમાં દારૂની બદી ફૂલીફાલી રહી છે. પરંતુ હવે જેતપુર શહેર માંથી જ્યાં સુધી દારૂની બદી દૂર ન કરાય ત્યાં સુધી પોતે પોલીસ સામે ઉપવાસ આંદોલન કરશે. જેમાં તેમની મુખ્યત્વે માગણી છે કે શહેર પોલીસ તમામ દેશી અને વિલાયતી શરાબના બુટલેગરોને તાત્કાલિક પકડી પાડે, તમામ સામે આકરા પગલાં ભરે, જરૂર પડે તેવા બૂટલેગરો સામે ગુનો નોંધે, છાપેલા કાટલાની જેમ વર્ષોથી દારૂનો ધંધો કરતા બૂટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવે તેમજ વર્ષો જૂના બુટલેગરોને રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લામાંથી હદ પાર કરવામાં આવે તેવી તેમની માગણી છે.
બોક્સ: જેતપુર શહેર પોલીસને રૂપિયા 50 હજાર સુધીનો હપ્તો આપું છું : દારૂનો બુટલેગર
જેતપુર : જેતપુર શહેરની ભાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચલાવીને દેશી દારૂનું ધોમધોકાર ઉત્પાદન કરતા એક બુટલેગરે એવા સનસનીખેજ આક્ષેપો કર્યા હતા કે તે દર મહિને છૂટક છૂટક રૂપિયા ૩૦ થી ૫૦ હજાર સુધીના હપ્તા જેતપુર પોલીસને પહોંચાડે છે. તેમની આવી કેફિયતનો વિડિયોકોન સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. છતાં રાજકોટ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે કોઈપણ અસરકારક પગલાં ભર્યા નથી. ત્યારે શહેરના મહિલા આગેવાન હવે આંદોલનના મંડાણ કરનાર હોય સમય જ બતાવશે કે દારૂના બુટલેગરને બચાવાશે કે જેલભેગા કરાશે ??
હરેશ ભાલીય જેતપુર


