વડોદરા
વડોદરા તાલુકાના વતની હાલ ડભોઇ તાલુકામાં હોટલ ચલાવે છે. તેઓના બે પુત્રો પૈકી એક પુત્ર વડોદરા નજીક આવેલા વતનમાં રહે છે. નાનો પુત્ર હોટલમાં મદદરૂપ થાય છે. તેઓનો વતનમાં રહેતો મોટો પુત્ર ખરાબ લતે ચઢી ગયો હતો. તેને સુધારવા માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા હતા.પરંતુ, પુત્રને સુધારવા માટેનો કોઇ માર્ગ મળતો ન હતો. દરમિયાન તેઓની હોટલ ઉપર આવતા અટલભાઇ નરવતભાઇ તડવીએ પુત્રથી ચિંતીત હોટલ માલિક પિતાને જણાવ્યું કે, મારી પાસે એક માણસ છે. તે તમારા પુત્રને સુધારી દેશે. દરમિયાન ઓગષ્ટ માસમાં અટલભાઇ તડવી ડભોઇ તાલુકાના નાગાડોલ ગામના રહેવાસી લક્ષ્મણ કાભઇ તડવીને પુત્રના પીડિત પિતાની હોટલ ઉપર લઇ ગયો હતો. પુત્રના પીડિત પિતાને લક્ષ્મણ તડવીની વિધિ કરનાર તરીકેની ઓળખ આપી હતી. લક્ષ્મણે પીડિત પિતાને જણાવ્યું હતું કે, પુત્રને સુધારવા માટે વિધિ કરવી પડશે. તે માટે રૂપિયા ૧.૬૦લાખનો ખર્ચ થશે. આ વિધિ પુત્ર જ્યાં રહે છે., ત્યાં જઇને કરવી પડશે. પુત્રને સુધારવા માટે સંમત થઇ ગયેલા પિતાએ રૂપિયા ૧.૬૦ લાખનો વિધિનો સામાન લાવવા માટે લક્ષ્મણ તડવીને આપ્યા હતા. ત્યાર બાદ પુત્ર પીડિત પિતા, લક્ષ્મણ તડવી અને અટલ તડવી વડોદરા નજીક ગામમાં આવ્યા હતા. જ્યાં તેઓએ ખરાબ સોબતે ચઢી ગયેલા યુવાનની વિધી કરી હતી. વિધિ પૂરી થયા બાદ તેઓ પરત હોટલ ઉપર આવી ગયા હતા. હોટલ ઉપર આવી ગયા બાદ વિધિનો ઢોંગ કરનાર લક્ષ્મણ તડવીએ પુત્રના પીડિત પિતાને જણાવ્યું કે, પ્રથમ વિધિ સફળ થઇ નથી. બીજી વખત વિધિ કરવી પડશે. પ્રથમ વિધિમાં વિઘ્ન આવ્યું છે. બીજી વિધિ માટે રૂપિયા ૩.૬૦લાખ તૈયાર રાખજાે. પુત્રને સારો કરવા માટે પિતાએ રૂપિયા ૩.૬૦લાખની વ્યવસ્થા કરી હતી. વિધિ માટે લક્ષ્મણને આપ્યા હતા. લક્ષ્મણ તડવી, અટલ તડવી અને પુત્ર ત્રણે વડોદરા માંડવી આવ્યા હતા. ત્યાંથી એક બોક્સ ખરીદ્યું હતું અને તે વસ્તુઓ લઇ પુત્રના પીડિત પિતાના ખેતરમાં જઇ વિધિ કરી હતી.ખરાબ સોબતે ચઢી ગયેલા પુત્રની વિધી માટે ઉજૈનથી તેલ લાવવાના બહાને અને વિધી માટે સામાન લાવવાના બહાને પુત્ર પીડિત હોટલ માલિક પિતા પાસેથી રૂપિયા ૧૭.૨૦ લાખ પડાવનાર ઠગ સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઠગે પુત્રના પીડિત પિતાના ઘરે અને ખેતરમાં જઇ વિધિનું નાટક કર્યું હતું. છેલ્લે સ્મશાનમાં વિધિ કરવાના બહાને નાણાં પડાવતા ઠગનો ભાંડો ફૂટી જતા પુત્રના પીડિત હોટલ માલિકે ફરિયાદ નોંધાવી.
