વડોદરા
ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત મૂવમેન્ટ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જિલ્લાની ૧૭૮ આરોગ્ય સંસ્થાઓ ખાતે સાયક્લોથોન યોજવામાં આવી હતી. જેમાં સરકારી ખાનગી તબીબો અને સાયકલવીરો સહિત ૨૬૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો, સાયકલ ચલાવો તેવો અનુરોધ કરતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સાયકલનું ચક્ર આરોગ્ય જાળવીને જીવન ચક્રને ગતિશીલ રાખવામાં મદદરૂપ બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતાં, ત્યારથી ગુજરાતમાં અનેક યોજનાઓ અને સુવિધાઓ દ્વારા રમત ગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય ખાતાએ રાજ્યમાં ૨૭૦૦થી વધુ સ્થળોએ બિનચેપી રોગોથી બચાવની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું છે, તેને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, સયાજીરાવ મહારાજના સમયથી વડોદરાના જનજીવનમાં ખેલ પ્રવૃત્તિઓને અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે આ કાર્યક્રમમાં જાેડાયેલા રમતપ્રેમીઓનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમથી આરોગ્ય જાગૃતિ માટે વ્યાયામની અનિવાર્યતાનો સંદેશ મળે છે તેવી લાગણી વ્યકત કરતાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવા સમુદાયને આરોગ્ય જાગૃતિ માટે પ્રેરિત કરવા આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જીવનશૈલી વિષયક રોગો સામે બચાવની જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગે રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજ્યો છે. વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ તથા આ વિસ્તારના નગર સેવિકા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સંસ્થાઓ અને આ વિસ્તારની સ્ટર્લિંગ,બેન્કર, જ્યુપિટર હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. પેડલિંગ ફોર ફિટનેસ સહિતની સાયકલિંગ પ્રોત્સાહક સંસ્થાઓના સાયકલપ્રેમીઓ અને બાળ સાયકલવીરો ઉત્સાહભેર જાેડાયાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સંકલિત કાર્યક્રમનું સંચાલન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીરજે સૌને આવકાર્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ૫ કિમીની સાયકલયાત્રાનું સમાપન થયું હતું.
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આયોજિત સાયકલોથોનને ભાયલી આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અશોક પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ પ્રસ્થાનમાં તેમની સાથે જાેડાયા હતા.
