રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જેતપુર, ગોંડલ, શાપર, લોધિકા વિસ્તારમાં લોખંડની પ્લેટોની ચોરી કરતી બેલડીને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી 19 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ 3,90,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં 19 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે પકડાયેલા આરોપીઓ પૈકી વિનોદ જેઠવા દિવસે મોટરસાયકલ પર રેકી કરી વહેલી સવારના સમયે વાહન ભાડે બાંધી લોખંડની પ્લેટ ચોરી કરી તેમાં ભરી નાસી જતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે બાતમીના આધારે બંને આરોપીની ધરપકડ કરી
રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી. જેમાં આરોપીઓ ચોરી કરેલી લોખંડની પ્લેટ સગેવગે કરવા જાય તે પહેલા તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીઓએ તેમના નામ વિનોદ જેઠવા અને અમિત કારડિયા જણાવ્યું હતું. તેમની પાસે રહેલી લોખંડની પ્લેટ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે લોખંડની 378 પ્લેટ, એક મોટરસાયકલ અને એક મોબાઇલ મળી કુલ 3,90,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પૂછપરછમાં વધુ એક આરોપી જગાનું નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર


