નવસારી
નવસારીમાંં છેલ્લા અનેક સમયથી વીજળી ખોરવાઈ જવાને લઈને નવા ઉદ્યોગ સ્થાપવા પર મોટી અસર પડી રહી છે. વીજ ટ્રીપિંગથી કંટાળી ૧૨થી ૧૩ કંપનીઓ મજબૂરીવશ સુરત માઈગ્રન્ટ થઈ છે. અહીં કોઈ પણ વેપારીઓ વેપાર નાખવાની ઈચ્છા ધરાવે અને વીજળીની કનેક્ટિવિટી વિશે જાણે છે તો અહીં વેપાર શિફ્ટ કરવાનું માંડી વાળે છે. ગુજરાત સરકાર જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિદેશી વેપારીઓને આકર્ષવા માટે મોટા મોટા આયોજન કરે છે, ત્યારે નવસારીમાં વધેલા ઉદ્યોગને જીવંત રાખવા માટે વીજળીની કનેક્ટિવિટી ૨૪ કલાક કેમ કરતી નથી તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા. કબીલપોર ખાતે આવેલી ડીજીવીસીએલમાં કાર્યરત ડેપ્યુટી એન્જિનિયર બી.એસ ચૌધરીએ જણાવ્યું હતું કે અહિ આગળ વીજ પુરવઠાને લઈને કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ એકાદ દિવસ સમસ્યા આવી હશે, પણ આ સમસ્યા કાયમી નથી, વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમગ્ર વાત જ ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતુંનવસારીના આમડપોરથી વેસ્મા જતા હાઈવેને અડીને ૩૦ યુનિટ ધરાવતી ફેક્ટરીઓ કાર્યરત છે. જેમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાને કારણે વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ અઠવાડિયામાં બે-ત્રણ વાર ત્રણથી પાંચ કલાક માટે વીજ પુરવઠો ખોરવાતાં મશીનો બંધ થાય છે. જેને લઇને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જે તેમને પોસાય તેમ નથી. ૩૦ થી વધુ અલગ અલગ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરતી કંપનીઓ દર મહિને આશરે ૫૦ લાખ રૂપિયાનું વીજ બિલ ભરે છે. ઉપરાંત કંપનીઓ ૨૦૦૦ કિલોવોટ વીજળી કન્ઝ્યુમ કરતી હોવા છતાં પણ વીજ કંપનીના ધાંધીયાને કારણે મજૂરો ઘરે ગયા બાદ પરત ફરતા નથી, જેની સીધી અસર પ્રોડક્શન પર પડે છે. આ વિસ્તારમાં પૌવા ઉદ્યોગ, ફુડ પ્રોસેસિંગ, પ્લાસ્ટિક મેકિંગ, નુડલ્સ મેકિંગ, કોલ્ડ સ્ટોરેજ, ટિમ્બર ઉદ્યોગ, હોટલ, પેટ્રોકેમિકલ્સ, કોલ્ડ્રિંક્સ પ્લાન્ટ, મિનરલ વોટર પ્લાન્ટ, ટાયર બનાવતી કંપનીઓ, બ્લોક મેકિંગ ફેક્ટરી, પાઇપ મેન્યુફેક્ચર અને સિમેન્ટ મેન્યુફેક્ચર કંપનીઓ આવેલી છે. જેનો વીજ પુરવઠો ખોરવાતાં પ્રોડક્શન પર સીધી અસર પડે છે. તેમજ એક વખત મશીનો હિટ ગુમાવે પછી ફરીવાર ટેમ્પરેચર મેન્ટેઈન કરવા માટે વધુ વીજળી જરૂર પડે છે.


