કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ,ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ પ્રથમ દિવસે એક લાખ 91 હજારથી વધારે લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી.
મંત્રાલય અનુસાર, રસીકરણ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 3,351 સેશન થયા જેમાં કોવાક્સિન અને કોવિશીલ્ડ, બંને વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો.
ભારતીય રસીકરણ અભિયાનને દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન કહેવામાં આવી રહ્યું છે.
મંત્રાલયે તે પણ દાવો કર્યો છે કે, રસી લાગ્યા પછી કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાવવાની જરૂરત પડી નથી. જોકે, દિલ્હીમાં કોરોના વેક્સિન લાગ્યા પછી કેટલાક લોકોમાં એલર્જીના લક્ષણ જોવા મળ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ લોકોને સ્થાનિક પ્રશાસનની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તે ઠિક કરી લેવામાં આવી છે.
કેન્દ્ર સરકારની યોજનાઓ અનુસાર, પહેલા સફાઈકર્મચારીઓ, ડોક્ટરો અને નર્સોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે, જેમને પ્રથમ પંક્તિમાં રહીને આ મહામારી વિરૂદ્ધ મોરચો સંભાળ્યો હતો.
જણાવી દઈએ કે, ગુજરાતમાં 161 સેશનમાં 10787 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
