નવી દિલ્હી: 8 જાન્યુઆરીએ LACના ભારત તરફ લદ્દાખના એક વિસ્તારમાં ઝડપાયેલા PLA સૈનિકને ભારતે ચીનને સોંપી દીધો છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ, આ સૈનિક સોમવારે સવાર 10:10 કલાકે ચૂશૂલ-મોલ્ડોમાં ચીનને સોંપવામાં આવ્યો છે.
આ અંગે સેનાએ જણાવ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકે LAC ક્રોસ કરી હતી. જેને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકોએ કસ્ટડીમાં લઈ લીધો હતો. સેનાએ એ પણ જણાવ્યું કે, આ ચીની સૈનિક સાથે નક્કી કરેલા નિયમો મુજબ જ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લા કેટલાક મહિનાઓથી તનાવ ચાલી રહ્યો છે. ગત 5-મેના રોજ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જે બાદ બન્ને પક્ષો અલગ થયા હતા. જો કે તનાવ યથાવત રહ્યો હતો.
જે બાદ 15 જૂને ગલવાન ઘાટીમાં બન્ને દેશોની સેનાઓ વચ્ચે અનેક દાયકા બાદ પ્રથમ વખત હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે સામે પક્ષે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતના જાંબાજ જવાનોએ ચીનના 30થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જો કે ચીન સત્તાવાર આંકડો જાહેર કરવાનું કાયમ ટાળી રહ્યું છે
ગલવાનની ઘટના બાદ તનાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે અલગ-અલગ સ્તરની અનેક વખત વાતચીત થઈ ચૂકી છે, પરંતુ તેનું કોઈ ચોક્કસ પરિણામ નથી આવ્યું.