વડોદરા
વડોદરા શહેરના મકરપુરા નોવિનો-તરસાલી રોડ ઉપર આવેલી બી-૫૪ ગિરધરપાર્ક સોસાયટીમા રહેતા જગદીશકુમાર મગનભાઇ ભટ્ટ શક્રવારે ૧૧ વાગ્યાના સુમારે અગરબત્તી લેવા માટે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. પદમપાર્ક સોસાયટી પાસે અગરબત્તી લઈને ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન પદમ પાર્ક પાસે આવી પહોંચેલી સફેદ કારના ચાલકે જગદીશભાઈને ઇશારો કરી કાર પાસે બોલાવ્યા હતા અને એરપોર્ટ જવાનો રસ્તો પૂછ્યો હતો. જગદીશભાઇએ રસ્તો બતાવ્યા બાદ કાર ચાલકે જણાવ્યું કે, પાછળની સીટ ઉપર બેસેલા મહારાજને રસ્તો સમજાવી દો. જગદીશભાઈએ કારમાં બેસેલા ભભૂતી લગાવેલા નાગા બાવાના દર્શન કરી રસ્તો બતાવ્યો હતો. નાગા બાવાએ જગદીશભાઈ પાસે એક રૂપિયો માગી જણાવ્યું કે, તારું ભલું થઇ જશે, તારા ઘરે ધનનો ભંડાર થઇ જશે. તેમ જણાવી જગદીશભાઈએ આપેલી એક રૂપિયાની નોટ સાથે ૧૦૦ રૂપિયા પરત કર્યાં હતા. ૧૦૦ રૂપિયાની નોટ સાથે આપેલો ૧ રૂપિયો જગદીશભાઈએ ખિસ્સામાં મુકી દીધો હતો. ખિસ્સામાં ૧૦૧ રૂપિયા મૂકી દીધા બાદ જગદીશભાઈ જાણે હિપ્નોટાઈઝ થઈ ગયા હોય તેમ નાગા બાવાએ જે જે માંગ્યું તે તમામ દાગીના ઉતારીને આપી દીધા હતા. પહેરેલા તમામ દાગીના ઉતારી લઈને ટોળકી ત્યાંથી પલાયન થઇ ગયા બાદ જગદીશભાઈને ભાન થયું કે તેઓને લૂંટી લીધા છે. પોતે લૂંટાયા હોવાની જાણ થતાં પોલીસ કંટ્રોલરૂમ પર કોલ કર્યો હતો. જ્યાં કોઈએ ફોન નહીં ઉઠાવતા અંતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી આવી હતી. મકરપુરા પોલીસે જગદીશભાઈ ભટ્ટના નિવેદનના આધારે નાગા બાવા સહિત બે ઠગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે’હું મહાપુરુષ છું, તારું ભલું થઇ જશે, મને એક રૂપિયો આપ તારા ઘરે ધનનો ભંડાર કરી દઇશ’ તેમ જણાવી કારમાં આવેલ નાગા બાવાએ વૃદ્ધને હિપ્નોટાઈઝ કરીને બે વીંટી અને સોને મઢેલી રૂદ્રાક્ષની માળા મળી રૂપિયા ૪૫,૦૦૦નો મુદ્દામાલ લઈને કારચાલક સાગરીત સાથે ફરાર થઇ ગયો હતો. કારમાં આવેલા ઠગોએ સરનામું પૂછવાના બહાને વૃદ્ધને કાર પાસે બોલાવી ઠગાઈ કરી હતી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
