રાજકોટ
દિવાળીના તહેવારો પૂર્વે જ એકાએક કમોસમી વરસાદ પડતાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોમાં નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મંદીના માહોલ વચ્ચે દિવાળીમાં થોડી ઘણી ઘરાકી નીકળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ખરીફ પાકમાં કેળ, કપાસ, તુવેર, મરચીના પાકને ભારે નુક્સાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે. જણાવી દઈએ કે ગીલાકે સાંજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી પડ્યો. જેની અસર ખેડૂતોને ખેતર સાથે સાથે માર્કેટ યાર્ડમાં રહેલા પાક પર થઇ. ખેતરમાં અતિવૃષ્ટિથી બચેલો થોડો ઘણો પાક પણ આ વરસાદમાં નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઇ છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં આવેલો પાક પણ પલળી જતા નુકસાન થવાની મોટી સંભાવના છે.રાજકોટના વીરપુર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. વીરપુર પંથકમાં દિવાળી પૂર્વે એકાએક વરસાદ વરસતા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી મગફળી અને ડુંગળી પલળી ગયા છે. કમોસમી વરસાદથી સમગ્ર પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીફ પાકને પણ ભારે નુક્સાન થવાની ભીતિ છે. દિવાળીની ઘરાકી પણ હવે તદ્દન નિષ્ફળ જવાની ભીતિ વેપારીમાં સેવાઇ રહી છે.
