Gujarat

શાળા સંચાલક મંડળનો મુખ્યમંત્રીને પત્ર, કોરોના વોરિયર્સ ટીમો પાસે વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરાવવા રજૂઆત

  • વિદ્યાર્થીઓને ‘વિદ્યાદીપ યોજના’માં મળતાં વળતરની રકમ 50 હજારના બદલે 5 લાખ કરો
  • ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે સરકારના શાળા શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો

ગાંધીનગર: રાજ્યમાં હાલમાં કોરોનાના કેસો (Gujarat Corona Case) ઘટ્યા હોવાથી હવે કોરોના વોરિયર્સ (Corona Warriors ) ટીમો પાસે વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી (Health Checkup) કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

દરવર્ષે સરકાર દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવતી હોય છે. 2019-20ના વર્ષમાં આ ચકાસણી થઈ નથી અને ચાલુ વર્ષે પણ થઈ ન હોવાથી આ ચકાસણી શરૂ કરવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને (Gujarat CM Rupani) પત્ર લખી જણાવાયું છે. ઉપરાંત વિદ્યાદીપ યોજનામાં (Vidhyadeep Scheme) વળતરની રકમ પણ રૂ. 50 હજારથી વધારી રૂ. 5 લાખ કરવા અને કોરોનાનો સમાવેશ કરવા પણ રજૂઆત કરાઈ છે.

રાજ્યમાં જ્યારે સામાન્ય સંજોગો હતા ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ આરોગ્ય ચકાસણી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતી હતી.

જેમાં બાળકોના આરોગ્યની વ્યક્તિગત નોંધ રાખવામાં આવતી હતી. સ્નાતક કક્ષાએ રાજ્યની કોલેજોમાં પ્રવેશ મેળવનારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવતી હતી અને તેનો સંપુર્ણ અહેવાલ જે તે યુનિવર્સિટીના રમત-ગમતના વડાને પહોંચાડવામાં આવતો હતો.

શૈક્ષણિક વર્ષ 2019-20 દરમિયાન શાળા તથા કોલેજ કક્ષાએ આરોગ્ય તપાસણી કાર્યક્રમ થઈ શક્યો નથી. 2020-21ના એટલે કે ચાલુ વર્ષે પણ કોરોનાના કારણે આ શક્ય બન્યુ નથી. વર્તમાન સમયમાં કોરોનાનું જોખમ ઘટતા સરકાર દ્વારા ધો.10 અને 12ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત કોલેજોમાં પણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કેશોદ અને રાજકોટને બાદ કરતા હજુ સુધી અન્ય કોઈ જગ્યાએથી કોરોનાના કેસોની ફરિયાદ મળી નથી.

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ધો.9 અને 11ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ધો.6થી 8ના વર્ગો પણ શરૂ થાય તેમ લાગી રહ્યું છે. આ સંજોગોમાં રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોના વોરિયર્સની ટીમોને વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણીની કામગીરીમાં જોડવામાં આવે અને આ કાર્યક્રમ ફરી શરૂ કરવામાં આવે તે માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, સંચાલક મંડળ દ્વારા વિદ્યાદીપ યોજનાને (Vidhyadeep Scheme) લઈને પણ અગાઉ રજૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષાના હેતુસર વિદ્યાદીપ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં અકસ્માતે મૃત્યુ પામનાર શાળાના રેગ્યુલર વિદ્યાર્થીના કિસ્સામાં રૂ. 50 હજાર સુધીનું વળતર આપવામાં આવે છે.

આ વિદ્યાદીપ યોજનામાં કોરોનાનો સમાવેશ કરી રૂ. 50 હજારના બદલે રૂ. 5 લાખની જોગવાઈ કરવામાં આવે તેવી દરખાસ્ત પણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે તાત્કાલીક નિર્ણય લેવામાં આવે તેમ પણ જણાવાયું છે.

ધો.9અને 11માં શિક્ષણ કાર્ય શરૂ કરવા તૈયાર

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, રાજય સરકાર આગામી દિવસોમાં ધો.9 અને 11ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવા વિચારી રહી છે. ત્યારે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના જિલ્લા ઘટકો તરફથી મળેલા ફીડબેક મુજબ ધો.10 અને 12ના વર્ગો વ્યવસ્થિત ચાલી રહ્યાં છે અને શિક્ષણકાર્ય વેગ પકડી રહ્યું છે ત્યારે ધો.9 અને ધો.11માં પણ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવે તો કોઇ મૂંઝવણ કે મુશ્કેલી રહેશે નહીં. તેઓ સરકારની શાળા ખોલવાની બાબતને આવકારી છે.

 

images-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *