ધી નડિઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ અને એન. એસ. એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે એઇડ્સ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મહેંદ્રકુમાર દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ સેમ-3 ની વિદ્યાર્થિની કુ.શાહિના મલેકે કરેલી પ્રાર્થનાથી થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે Gujarat Aids Awareness and Prevention (GAP) સંસ્થાના એઇડ્સ પ્રોજેક્ટ મેનેજર શ્રીમિતલબહેને HIV વાયરસ એ શું છે, એઇડ્સ થવાના કારણો, આ રોગથી બચવા માટે શું કરવું જોઇએ તથા એઇડ્સ રોગયુક્ત વ્યક્તિ માટે સરકારશ્રી દ્વારા કંઇ કંઇ યોજનાઓ ચાલે છે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે સી.બી.પટેલ આર્ટ્સ કોલેજના ભૂતપુર્વ વિદ્યાર્થી તથા GAP સંસ્થાના ફીલ્ડ ઓફિસર તથા એઇડ્સ કાઉંસેલર શ્રીમંથનભાઇ બારોટે વિદ્યાર્થીઓને વિવિધ જાતીય રોગ તથા જાતીય રોગથી બચવા માટેના ઉપાયો સમજાવ્યા તથા વિદ્યાર્થીઓને જાતીય બાબતો સંદર્ભે મુંજવતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોરૂપી સ્વાગત મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના બોયસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ.પ્રકાશભાઇ વિછીયાએ કર્યું હતું. આચાર્યશ્રી ડૉ.મહેન્દ્રકુમાર દવેએ અધ્યક્ષીય પ્રવચનમાં એઇડ્સ જેવા જાતીય રોગોથી યુવાધન બચે તથા રોગમુક્ત ભારતનું નિર્માણ થાય તે માટે યુવાનો પોતાની ફરજ કે કર્તવ્યથી વિમુખ ન બને તે માટેની સલાહ આપી હતી. વિદ્યાર્થી યુનિયનના ઉપાધ્યક્ષ પ્રા.આર.બી.સક્સેના, રાષ્ટ્રીય સેવા યોજનાના ગર્લ્સ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કલ્પનાબેન ત્રિવેદી તથા પ્રા.રાજેશભાઇ પરમાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ.અર્પિતાબેન ચાવડાએ આભારવિધિ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. સ્વયંસેવક હર્નિશ કાછીયાએ કર્યું હતું.


