પેટા
ગામના અનેક વિસ્તારોમાં દેશી દારૂનું થતું ધૂમ વેચાણ
જેતપુર, તા.25 (હરેશ ભાલિયા દ્વારા)
જેતપુર શહેરમાં છેલ્લા એક મહિનાથી દારૂના દૂષણને અટકાવવા આંદોલનનો થતા હોવા છતાં પોલીસે કોઇ કામગીરી કરી નથી. ત્યારે હવે જેતપુરના પ્રખ્યાત તેમજ દેશ-વિદેશમાં વિખ્યાત એવા યાત્રાધામ વીરપુરમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ચાલુ થઈ ગયું છે. ત્યારે દારૂના દૂષણ બાબતે યાત્રાધામને કોઈ કલંક લાગે તે પહેલા લાગતી વળગતીપોલીસ કડક બનીને દેશી દારૂનું વેચાણ અટકાવે તેવી જાગૃત લોકોમાં માગ થઈ છે.
જેતપુર તાલુકાના વીરપુર જલારામમાં હાલના દિવસોમાં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસ આ બધું જાણતી હોવા છતાં દારૂના બુટલેગર ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતી હોય વીરપુરમાં પણ દારૂના બુટલેગરોએ પોલીસને સાધી લીધી હોવાનું સાબિત થઇ રહ્યું છે.
આજે વીરપુરમાં પત્રકારોની લટાર દરમિયાન ગામના ભૂલેશ્વર વિસ્તાર, દિલીપપરા શેરી તેમજ જલારામ નગરમાં રોડ ઉપર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો જોવા મળ્યો હતો. અમારા ખાનગી વર્તુળો કહે છે કે જેતપુરમાં દારૂની બદી હટાવવા પોલીસ તંત્ર મથામણ કરી રહી છે, ત્યારે હવે દેશી દારૂનું દુષણ વીરપુરમાં દિન-પ્રતિદિન ફેલાતું હોવાનું સાબિત થઇ રહ્યું છે.
વીરપુરની શાંત પ્રજા તેમજ ધર્મ પ્રેમી જનતાનું કહેવું છે કે પુજ્ય જલારામ બાપાના નામથી વીરપુર ગામ દેશ-વિદેશમાં વિખ્યાત છે. વીરપુર ને એક પવિત્ર યાત્રાધામ તરીકે ગુજરાત તેમજ બહારનાં રાજયોના ભક્તોમાં એક આસ્થા છે.
ત્યારે વીરપુરમાં દારૂનું દુષણ વકરી રહ્યું હોવા છતાં સ્થાનિક ગ્રામપંચાયતના સત્તાવાળાઓએ કોઈ દિવસ દારૂના દૂષણને અટકાવવા પ્રયાસ કર્યો નથી. પરિણામે અહીં દારૂનું દુષણ વધી રહ્યું છે.
ગામનાના યુવાનો પણ દેશી દારૂની બદીમાં ફસાઈ અને બરબાદ થઈ રહ્યા છે. અનેક પરિવારના યુવાનો આ ભયંકર દૂષણમાં ફસાઈ ગયા છે. રોજ સાંજ પડે ને પ્યાસીઓને દારૂ પીવો પડે છે.દારૂ પીધા બાદ રોજ બરોજ અનેક શખ્સો રોડ ઉપર લથડીયા ખાતા જોવા મળે છે.
તેમજ અમુક દારૂડિયાઓ તો રોડ ઉપર જ છાકટાવેડા કરતા જોવા મળે છે. આ બધું પોલીસ તંત્રની જાણ બહાર હોય તેવું વીરપુર ની પ્રજા માનતી નથી. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ વીરપુર ગામમાં પણ દેશી દારૂના દૂષણને અટકાવવા ઝુંબેશ ચલાવવી જોઈએ તેવું ચબરાક લોકોનું કહેવું છે.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર
