જામનગરના હાપામાં પંચ એ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇનામી કાર્ડ અંગે જાહેરાત કરીને લોકોને લાલચ આપી સ્કેચ કાર્ડ વેચાણ કરી પૈસા મેળવતી ગેંગના ચારને પકડી પાડી રોકડ, કાર, જુદા જુદા ઇનામી કાર્ડ વગેરે મળીને રૂ.૩.૪૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે વધુ એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તમામ સામે કાયદાકિય કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં પંચએ પોલીસની ટીમને હાપા ગામના પાદરમાં ચાર શખ્સો સફેદ કારમાં ઇનામી કાર્ડ અંગે જાહેરાતો કરીને લોકોને લોભામણી લાલચ આપી કોઇલાયસન્સ કે પરવાનગી વગર સ્કેચ કાર્ડ છપાવી વેચાણ કરી પૈસા મેળવતા હોવાની ચોકકસ બાતમી મળી હતી.
જેના આધારે પીએસઆઇ બી. એસ. વાળા, હે.કો. શૈલેન્દ્રસિંહ જાડેજા, જીતેશભાઇ વાળા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે દરોડો પાડયો હતો ત્યારે ચાર શખ્સો લાલચ આપી સ્કેચ કાર્ડ વેચાણ કરીને પૈસા મેળવતા હોવાનું માલુમ પડયુ હતુ. પોલીસે અમરા હદાભાઇ વરૂ (રે.ધ્રોલ), લાલા ઉર્ફે લાલજી હિરાભાઇ ગોલતર (રે. રંગપર પાટીયુ), કમલેશ ઉર્ફે સાગર કરમણભાઇ ઉર્ફે બાબુભાઇ ગમારા (રે. માવાપર) અને કાનજી નાગજીભાઇ (રે.રંગપર પાટીયુ)ને પકડી પાડયા હતા. પોલીસે તેના કબજામાંથી ૧૪ ઇનામી સ્કેચ કાર્ડ, રૂ.૧૭,૯૦૦ની પ્રોડકટસો, ચાર મોબાઇલ, રોકડ રકમ અને કાર સહિત રૂ.૩.૪૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં નિલેશ વરૂની સંડોવણી ખુલતા પોલીસે તમામ સામે ઇનામી પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના (નિયંત્રણ) કાયદો ૧૯૭૮ની કલમ-૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
