અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી કેવડીયા સી-પ્લેન સર્વિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બીજા દિવસે જ્યારે મુસાફરો માટે સી-પ્લેન સર્વિસ ખુલ્લી મુકવામાં આવી ત્યારે પહેલા જ સી-પ્લેન કેવડીયાથી અમદાવાદ ૩ કલાક લેટ પહોંચ્યું હતું. આ ઉપરાંત તે વખતે માત્ર ૮ મુસાફરો જ સી-પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તો બીજા જ દિવસે બીજા ફેરા માટે પૂરતા મુસાફરી ન મળતા બીજાે ફેરો રદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સર્વિસ શરૂ થઇ તે સમયે સી-પ્લેનમાં સવારની ફ્લાઈટનું ભાડું ૧,૫૯૦ રૂપિયા રાખવામાં આવ્યું હતું અને બીજી બપોરની ફ્લાઈટનું ભાડું ૨,૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યું હતું.૩૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. પણ જાણે આ સર્વિસ દેખાવ માટે શરૂ થઇ હોય તેવું લાગુ રહ્યું છે. કારણ કે, જેટલા જાેરશોરથી સી-પ્લેન સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી. તેવી જ રીતે ગણતરીના સમયમાં આ સર્વિસ બંધ કરી દેવામાં આવી. વારંવાર સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલ્દિવ્સ મોકલવામાં આવતું હતું. જેટલા સમયે પ્લેન મેન્ટેનન્સ માટે માલ્દિવ્સ જાય તેટલા દિવસ આ સર્વિસ બંધ રાખવામાં આવતી હતી. સી-પ્લેન સર્વિસ શરૂ થયા બાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, આ સર્વિસ ૩૬૫ દિવસમાંથી ૨૫૦થી વધુ દિવસ સુધી આ સર્વિસ બંધ રહી હતી. બીજી મહત્ત્વની વાત એ છે કે, ૯ એપ્રિલથી સી-પ્લેનનું એરક્રાફ્ટ માલ્દિવ્સ પરત મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારથી લઇને આજદિન સુધી આ સર્વિસ શરૂ થઇ નથી. એરક્રાફ્ટ પરત ન આવતા સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે, અમદાવાદથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ શરૂ થશે કે નહીં? જ્યારથી સી-પ્લેન શરૂઆત થઇ ત્યારથી લઈને એક વર્ષના સમયમાં માત્ર તે ૧૧૦ દિવસ માટે જ ઓપરેટ થયું હતું. આ દરમિયાન ૨૮૪ ફ્લાઈટ અમદાવાદથી કેવડીયા વચ્ચે અવર જવર થઇ હતી. અત્યાર સુધીમાં ૨,૪૫૭ લોકોએ સી-પ્લેનની મુસાફરી કરી છે. આમ ૧૯ મુસફરોની ક્ષમતા ધરાવતા સી-પ્લેનની દરેક ફ્લાઈટમાં સરેરાશ ૯ મુસાફરોએ મુસાફરી કરી. સી-પ્લેન માટે અમદાવાદના રીવરફ્રન્ટ પર એક ખાસ વોટર એરીડ્રોમ પણ બનાવવામાં આવ્યું હતું.


