અમદાવાદ
બાંગ્લાદેશના નૌખલીમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ ૧૬ ઓક્ટોબરે પરિસરમાં ટોળા દ્વારા એક ભક્તની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. આ બાદ ઈસ્કોન મંદિરે બાંગ્લાદેશ સરકાર પાસેથી સુરક્ષા માંગી છે. ૧૫૦ દેશોમાં સ્થિત ૭૦૦ ઈસ્કોન મંદિરમાં આ ઘટનાને લઈને વિશ્વવ્યાપી પ્રદર્શનો યોજવાની તૈયારીઓ થઈ રહી છે. આ પૂર્વે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અહીંના સૌથી મોટા હિન્દુ તહેવાર દુર્ગા પૂજા દરમિયાન કુમિલા મંદિરમાં હિન્દુ દેવતાના ચરણોમાં કુરાનના નકલી ચિત્રો ફેલાવીને કોમી અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.બાંગ્લાદેશમાં નૌખલીમાં બનેલી ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં અમદાવાદ ખાતે કલેકટર ઓફિસ બહાર ઇસ્કોન મંદિરના સાધુ સંતોએ દેખાવો કર્યો હતો. તેમજ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાને સાધુ સંતોએ વખોડી હતી. તેમણે કલેકટર કચેરી બહાર રામ ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે માંગણી કરી હતી કે બાંગ્લાદેશ તેમજ અન્ય દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકે અને ધાર્મિક સ્થળ સુરક્ષીત કરવામાં આવે. બાંગ્લાદેશમાં હુમલાની ઘટનામાં ઇસ્કોન સંસ્થાના બે સાધુના મોત થતા સાધુ સંતો નારાજ થયા છે. જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારને સાધુ સંતોની સલામતી પ્રત્યે ધ્યાન આપવાની પણ અપીલ કરી હતી.