અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા દેવર્શિને નેહા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આથી બન્ને જણાએ ૨૦૧૮માં પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ ઝઘડાને કારણે નેહાએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ તેમજ મેટ્રો કોર્ટમાં ઘરેલુ હિંસાચારની ફરિયાદ કરી હતી. આખરે પતિ-પત્ની રાજીખુશીથી છૂટાછેડા લેવા માટે નિણર્ય કર્યો હતો. નેહાના એડવોકેટ અશ્વિન પટેલ અને દેવર્શિ તરફે એડવોકેટ જયેશ રામીએ છૂટાછેડા માટે રૂ.૨.૫૦ લાખ નક્કી કર્યા હતાં. એ વખતે કોર્ટમાં નેહા તેની માતા સાથે અને દેવર્શિ પણ તેની માતા સાથે હાજર હતાં. છૂટાછેડાનો કરાર નોટરી પાસે તૈયાર કરવામાં આવ્યો હતો. જયારે દેવર્શિએ રૂ.૨.૫૦ લાખ તેમના એડવોકેટ મારફતે નેહાને આપ્યા હતાં. થોડી ક્ષણો બાદ નેહાએ રૂ.૨.૫૦ લાખમાંથી રૂ.૧.૫૦ લાખ સાસુમાને આપ્યા હતાં. ૩ વર્ષના પ્રેમ લગ્ન બાદ સામાન્ય બાબતે નાની-નાની બાબતે ઝગડા થતાં પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે બન્ને જણાએ રાજીખુશીથી છૂટાછેડા લેવાનું નક્કી કરતા તે પૈકી કાયમી ભરણપોષણ પેટે રૂ.૨.૫૦ લાખ પત્નીને આપવામાં આવ્યા હતાં. આ રૂપિયામાંથી પુત્રવધૂએ કોર્ટમાં વકીલોની હાજરીમાં વિધવા સાસુમાને તેમના જીવનનિર્વાહ માટે રૂ.૧.૫૦ લાખ આપ્યા હતાં. પુત્રવધૂએ દીકરી તરીકે પ્રેમ બતાવ્યો તો સામે સાસુએ પણ પુત્રવધૂને કહ્યું, તું તો મારી દિકરી છે. આ રૂપિયા તારા હક્કના હોવાથી મારાથી ના લેવાય’ અંતે પુત્રવધૂની જીદ આગળ સાસુએ ૧.૫૦ લાખ લેવા પડયા હતાં.
