Gujarat

અમદાવાદમાં દારૂ પીવાની લતે બુટલેગર બન્યો વ્યક્તિની ધરપકડ

અમદાવાદ
અમદાવાદના સનાથલ ગામમાં રહેતો રામચંદ્રસિંહ રાજપૂત નામનો વ્યક્તિ દારૂના નશાના રવાડે ચઢયો હતો. પોલીસને એવી બાતમી મળી હતી કે ફતેહવાડી કેનાલની બાજુમાં વીસલપુર ગામની સીમના એક રૂમમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. તેથી અસલાલી પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ જગ્યા પર દારૂનો મુદ્દામાલ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો સનાથલ ગામના રહેવાસી રામચંદ્ર રાજપૂત દ્વારા રાખવામાં આવ્યો છે. રેડ દરમિયાન પોલીસે રામચંદ્રસિંહ રાજપુતની જમીન પર બનાવવામાં આવેલી ઓરડીમાંથી ૧૮ લાખ રૂપિયાના દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રામચંદ્રસિંહ દ્વારા તેના ખેતરમાં બે ઓરડી બનાવવામાં આવી હતી. જેમાં એક ઓરડી તેને દારૂ ભરવા માટે રાખી હતી અને બીજી ઓરડીમાં એસી સહિતની સુવિધા પણ હતી. આ જગ્યા પર તેઓ દારૂની મહેફિલ કરતા હતા. આ ઉપરાંત વાડીમાં અલગથી એક રસોડું પણ બનાવવામાં આવ્યું હતું. જેમાં તેઓ વેજ અને નોનવેજ ખોરાક બનાવતા હતા.ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાના કારણે રાજ્યમાં દારૂ પીવો અને દારૂનું વેચાણ કરવું તે ગુનો બને છે. તો બીજી તરફ અવાર નવાર રાજ્યમાં બુટલેગરો લાખો રૂપિયાના દારૂ સાથે પકડાયા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. તો ક્યારેક સ્થાનિક પોલીસની મિલીભગતના કારણે બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે દારૂ પીવાની આદતના કારણે ૧૫૦ વીઘા જમીનનો માલિક એક બુટલેગર બની ગયો છે. દારૂ પીવાની આદતે તેને બુટલેગર બનાવી દીધો હતો અને હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ દ્વારા રેડ કર્યા બાદ રાજસ્થાનના રહેવાસી ગોરધનસિંહ રાજપૂત, સનાથલ ગામના રહેવાસી જયદીપસિંહ અને રાજસ્થાનના રહેવાસી મહેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. આ ઈસમોની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, રામચંદ્રસિંહ ચૌહાણ, રુદ્રવતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુ પટેલ અને કુલદીપસિંહ દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. તેથી પોલીસ દ્વારા આ તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસને ઘટના સ્થળ પરથી આ ૮૮૫૬ જેટલી દારૂની બોટલ અને ૩ વાહનો મળી આવ્યા હતા. આ બાબતે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે રામચંદ્રસિંહ ચૌહાણ નામના વ્યક્તિ માટે કામ કરતા હતા અને રામચંદ્રને દારૂ પીવાનો શોખ હતો એટલા માટે દારૂની પાર્ટીનું આયોજન કરતો હતો. રામચંદ્રસિંહ પાસે સનાથલ ગામમાં અને અલગ-અલગ વિસ્તારમાં કુલ ૧૫૦ વીઘા જમીન છે. તેની જે જમીન છે તેના ભાવો ૧૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે પરંતુ દારૂ પીવાના શોખે તેને બુટલેગર બનાવી દીધો. ત્યારબાદ તેને દારૂનો ધંધો કરવાનું આયોજન કર્યું. ત્યારબાદ તેને તેના અન્ય સાથીદારો સાથે મળીને ૧૮ લાખ રૂપિયાનો દારૂ રાજસ્થાન મંગાવ્યો હતો. રામચંદ્રને એવો વિશ્વાસ હતો કે તે મફતમાં દારૂની મહેફિલ કરશે અને સાથે માણસોને દારૂનું વેચાણ પણ કરશે પરંતુ પોલીસે રેડ કરીને તેના આ મનસુબા પર પાણી ફેરવી દીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *