Gujarat

અમદાવાદમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો

અમદાવાદ
અમદાવાદમાં હાલમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે.અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો ૬.૭ ડિગ્રી જેટલો ગગડયો છે.અમદાવાદમાં ધીમા પગલે ઠંડીના આગમન થવા ઉપરાંત બેવડી ઋતુના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. એક મહિનામાં ડેન્ગ્યુના ૭૭૫ અને ચીકનગુનીયાના ૩૯૯ કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. દિવાળીના તહેવાર અગાઉ ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં ચાલતી ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યા પણ વધવા પામી હોવાનું તબીબી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.ગુજરાતમાં કોરોના ઓસરી ગયો છે પરંતુ પાણી અને મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. રાજ્યમાં હવામાન બદલાતા હવે સિઝનલ વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવા માંડ્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. “ડૉક્ટર ઑન કૉલ”માં છેલ્લા ૪ દિવસમાં ૪૫૦ જેટલા કોલ્સ આવી ચૂક્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષે દિવાળીમાં “ડૉક્ટર ઑન કૉલ”ની સેવા શરૂ કરવામાં આવે છે. આ સેવા અંતર્ગત ડૉક્ટર દ્વારા ફોન પર જ સલાહ આપવામાં આવે છે.દિવાળીના તહેવારો દરમિયાન કાર્યરત ડૉક્ટરોનું એક વ્હોટ્‌સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. ધન તેરસથી લાભ પાંચમ સુધી શરૂ કરવામાં આવેલ આ “ડૉક્ટર ઑન કૉલ”ની સેવામાં ૪ દિવસમાં જ ૪૫૦ જેટલા કૉલ્સ આવ્યા છે. જેમાં વાઇરલ ઈન્ફેક્શનના જ ૧૫૦થી વધારે કોલ્સ આવ્યા છે.આ સિવાય સ્ક્રિન પ્રોબ્લેમના ૩૦, માઈનોર ઈન્જરીના ૩૦, ચિકનગુનિયાના ૩૦ તેમજ આંખો સબંધિત ૩૦ જેટલા કૉલ્સ ડૉક્ટર ઑન કૉલ્સમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને ભાઈબીજના એક જ દિવસમાં ૧૫૦ જેટલા કોલ્સ “ડૉક્ટર ઑન કૉલ્સ”માં નોંધાયા હતા. મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બનતી જઈ રહી છે. ૩૦ઓકટોબર સુધીમાં ઝાડા ઉલ્ટીના ૫૪૨ કેસ નોંધાવા પામ્યા છે.ટાઈફોઈડના ૨૦૨ કેસ જયારે કમળાના ૧૨૭ કેસ નોંધાવા પામ્યા છે.કોલેરાનો એક પણ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાવા પામ્યો નથી.આ વર્ષે અત્યાર સુધીમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે ૭૫ હજાર ૮૭૮ સેમ્પલ લેવાયા હતા જે પૈકી ૨૦૨ સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટોરીયોલોજીકલ ટેસ્ટ માટે ૮૨૯૩ સેમ્પલ લેવાયા હતા જે પૈકી ૧૬૧ સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *