Gujarat

અરજદાર તેમજ કેસ લડનાર વકીલની ઓફિસને મનપાની નોટિસ

ગાંધીનગર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષો પછી સેક્ટર – ૧૧માં આવેલા વિજય કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું બ્રહ્મ જ્ઞાન આવ્યું છે. જેનાં પગલે મનપા દ્વારા વિજય કોમ્પલેક્ષનાં ગ્રાઉન્ડ ફલોર પર પાર્કિંગની જગ્યામાં દુકાનો બાંધી અનઅધિકૃત બાંધકામ તેમજ ઉપરના માળ પણ અનઅધિકૃત હોવાનું કારણ દર્શાવી નોટિસો ફટકારવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આ વિજય કોમ્પ્લેક્ષમાં પૂર્વ મેયર સામે બાંયો ચડાવનારા પૂર્વ કોર્પોરેટર પિંકીબેન પટેલના પતિ તેમજ તેમના વકીલની પણ ઓફિસ આવેલી છે. કોર્પોરેશન દ્વારા પૂર્વ મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગને સીલ કરવાની ખાત્રી અપાઈ હતી અને બીજી તરફ વિજય કોમ્પલેક્ષને સીધા ડિમોલીશન સુધીના પગલાં ભરવા સબબ નોટિસો આપી દેવાઈ છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે ઉક્ત બિલ્ડિંગમાં ગ્રાઉન્ડથી ત્રણ માળ સુધીનું ભોગવટા મંજૂરી છે. તેમજ ચોથા અને પાંચમા માળે આંશિક બાંધકામને ગુડા દ્વારા રેગ્યુલાઈઝ કરાયું છે. આ ઉપરાંતનું બાંધકામ અધિકૃત છે. તેમજ ગ્રાઉંડ ફલોરની જગ્યા પાર્કિંગની હોવા છતાં દુકાનોનું અનઅધિકૃત બાંધકામ કરી વપરાશ થઈ રહ્યો છે. આથી બિલ્ડીંગના બાંધકામ ય્ઁસ્ઝ્ર એક્ટ ૧૯૪૯ ની કલમ ૨૫૩, ૨૬૩(૨) હેઠળ જરૂરી પરવાનગી મેળવ્યા પછી જ બાંધકામ – વપરાશ કરવાનો થતો હોય છે. તેમછતાં હાલમાં વપરાશ ચાલુ છે. આથી બિન અધિકૃત બાંધકામ – વપરાશ દૂર કરવું અન્યથા નિયમ મુજબ બાંધકામ શા માટે દૂર ના કરવું કે કાઢી ના નાખવું સહિતના પૂરતા કારણો સાથે ત્રણ દિવસમાં જવાબ આપવા નોટિસોમાં જણાવાયું છે. આ સિવાય પણ અન્ય ચારેક અન અધિકૃત બિલ્ડીંગોને પણ નોટિસ આપવાની કવાયત ચાલી રહી હોવાનું મનપા સૂત્રો થકી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૦માં સેક્ટર – ૧૧ માં વિજય કોમ્પલેક્ષ બન્યું હતું. આ સિવાય ગાંધીનગરમાં આજ રીતે ખાનગી દવાખાના, કોમર્શિયલ બિલ્ડીંગો તેમજ રહેણાંકમાં કોમર્શિયલ દુકાનો હેતુફેર કરીને બની ગઈ હોવા છતાં પણ મનપા તંત્ર આવા એકમો સામે પણ મનપાએ કાયદાકીય ધોરણસરની કાર્યવાહી કરવાની વેપારીઓમાં માંગ ઉઠી છે.ગાંધીનગરના પૂર્વ મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગ સામે કાર્યવાહી કરવાની ગુજરાત હાઈકોર્ટે સૂચનાઓ આપી હતી. જેને લઈ મનપાએ હાઈકોર્ટને આ બાબતે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કોથળામાંથી બિલાડું કાઢવાની માફક પૂર્વ મેયર સામે બાંયો ચડાવનારા અરજદારનાં પતિ તેમજ હાઈકોર્ટમાં કેસ લડનારા વકીલની ઓફિસનું બિલ્ડીંગ સેકટર – ૧૧ માં આવેલ વિજય કોમ્પલેક્ષ ગેરકાયદેસર હોવાની નોટિસ આપી છે. અરજદારનાં પતિ તેમજ હાઈકોર્ટમાં કેસ લડનારા વકીલની ઓફિસ જ્યાં આવેલી છે એટલે કે સેકટર – ૧૧ માં આવેલા વિજય કોમ્પલેક્ષનાં ઉપરના માળે તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું મનપા તંત્રએ કારણ દર્શાવી નોટિસો ફટકારવામાં આવી છે. જેને લઈ સમગ્ર મુદ્દે દ્વેષભાવથી નોટિસો આપવામાં આવી હોવાની બૂમરાણ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *