નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ હજુ સુલજાયો નથી કે ચીને ફરી એક વખત અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરી દીધો છે. અરૂણાચલ પ્રદેશમાં ચીનના એક નવુ ગામ વસાવવાના રિપોર્ટને લઇને ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, નિર્માણ કાર્ય એક સામાન્ય ગતિવિધિ છે કારણ કે આ તેમના પોતાના વિસ્તારમાં કરવામાં આવી રહ્યુ છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગે મીડિયા બ્રીફ્રિંગમાં કહ્યુ, “ચીન-ભારતની સરહદના પૂર્વી સેક્ટર અથવા જૈગનાન (દક્ષિણી તિબેટ)ને લઇને ચીનની સ્થિતિ સ્પષ્ટ છે. અમે ક્યારેય પણ ચીની ક્ષેત્રમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા કથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા આપી નથી. ચીનનો પોતાના વિસ્તારમાં નિર્માણ કાર્ય પુરી રીતે સંપ્રભુતાનો મામલો છે. ચીનની પોતાના વિસ્તારમાં વિકાસ અને નિર્માણ સાથે જોડાયેલી ગતિવિધિઓ સામાન્ય વાત છે.”
ભારત-ચીન વચ્ચે સરહદી વિવાદ 3488 કિલોમીટર લાંબી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી)ને લઇને છે. ચીન એલએસીને માન્યતા આપતુ નથી અને આશરે 90,000 વર્ગ કિલોમીટરની જમીન પર પોતાનો દાવો રજૂ કરે છે. બેઇજિંગ અરૂણાચલ પ્રદેશને પોતાના માનચિત્રમાં દક્ષિણી તિબેટ બતાવે છે. વિશ્લેષકોનું કહેવુ છે કે ચીન નિર્માણ કાર્ય દ્વારા તે વિસ્તાર પર પોતાના દાવાને વધુ મજબૂત કરવા માંગે છે.
એક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ હતું કે ચીને અરૂણાચલ પ્રદેશમાં 101 ઘરનું એક નવુ ગામ બનાવી લીધુ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગામ ભારતની વાસ્તવિક સરહદના 4.5 કિલોમીટર અંદર બનેલુ છે. રિપોર્ટ્સમાં કેટલીક સેટેલાઇટ ઇમેજના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આ ગામને નવેમ્બર 2019થી નવેમ્બર 2020 વચ્ચે બનાવવામાં આવ્યુ છે. જેને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગુરૂવારે નિવેદન જાહેર કર્યુ છે.
જોકે, વિદેશ મંત્રાલયે ચીનના ગામ બનાવવાના સમાચારનું ખંડન કર્યુ નથી અને કહ્યુ કે ભારત સરકાર દેશની સુરક્ષાને પ્રભાવિત કરનારા તમામ ઘટનાક્રમો પર નજર રાખી રહી છે. આ સાથે જ પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમે ભારત સાથે સરહદી વિસ્તારમાં ચીનના નિર્માણ કાર્ય પર તાજેતરનો રિપોર્ટ જોયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે ચીન કેટલાક વર્ષથી અરૂણાચલ પ્રદેશનની બોર્ડર સાથે જોડાયેલા વિસ્તારમાં આ રીતના ઢાંચાનું નિર્માણ કરી રહ્યુ છે. જેના જવાબમાં ભારત સરકારે પણ બોર્ડર પર રોડ, પુલ સહિત કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કર્યા છે, જેનાથી બોર્ડર પાસે રહેતા સ્થાનિક લોકોને મદદ મળી છે.
ચીનની સરકારી મીડિયાએ પણ તેને લઇને કેટલાક આર્ટિકલ પ્રકાશિત કર્યા છે. ચીનની સરકારી મીડિયાએ કહ્યુ કે ગામ વસાવવાના સમાચાર ભારતમાં વધારી-ચઢાવીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્લોબલ ટાઇમ્સની વાતચીતમાં એક ચીની એક્સપર્ટ ઝાંગ યોંગપને કહ્યુ, ભારતીય મીડિયાના રિપોર્ટ્સ ભારત ચીન સરહદ પર સ્થિતિને વધુ જટિલ બનાવનારા છે.
સિંગુઆ યૂનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇંસ્ટિટ્યૂટમાં રિસર્ચ સ્કૉલર કિયાન ફેને ગ્લોબલ ટાઇમ્સને કહ્યુ, આ વિસ્તારને ચીનની સરકારે ક્યારેય માન્યતા આપી નથી. ચીન અને ભારતે આ વિસ્તારમાં સરહદી રેખા પણ બનાવી નથી માટે તે ચીન પર ભારતીય વિસ્તારમાં ગામ બનાવવાનો આરોપ નથી લગાવી શકતા.
ચીન, તિબેટ સાથે અરૂણાચલ પ્રદેશ પર પણ દાવો કરે છે અને તેને દક્ષિણી તિબેટ કહે છે. શરૂઆતમાં અરૂણાચલ પ્રદેશના ઉત્તર ભાગ તવાંગને લઇને ચીન દાવો કરતુ હતું. અહી ભારતના સૌથી વિશાળ બૌદ્ધ મંદિર છે. જોકે, ચીનની ચાલને છોડી દઇ તો અરૂણાચલ પ્રદેશને લઇને કોઇ વિવાદ નથી. જેને લઇને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ કોઇ વિવાદ નથી. અરૂણાચલ પ્રદેશ સાથે ભારતની સંપ્રભુતાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. આંતરરાષ્ટ્રીય માનચિત્રોમાં પણ અરૂણાચલ પ્રદેશ ભારતનો જ ભાગ છે.


