આજે અને આવતીકાલે તા. ૮ અને ૯ નવેમ્બરના સમગ્ર અમરેલી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઈવ યોજાશે
જિલ્લામાં ૨૬૮ જેટલી સાઈટ ઉપર ૧૫૦૦ થી વધુ આરોગ્યકર્મીઓ તૈનાત : ૧ લાખથી વધુ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ
૧.૩૬ લાખ લોકોએ વેક્સીનનો બીજો ડોઝ નથી લીધો : જિલ્લામાં ૧.૨૦ લાખથી વધુ ડોઝ ઉપલબ્ધ
વેક્સીન લેવામાં બાકી તમામને લાભ લેવા આરોગ્ય તંત્રનો અનુરોધ
અમરેલી તા. ૭ નવેમ્બર, આજે તા. ૮ નવેમ્બરના સોમવારે અને આવતીકાલે તા. ૯ના મંગળવારે અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર વેક્સીન લેવામાં બાકી તમામ લોકોને તેમજ જે લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા તમામ લોકોને વેકસીન આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા જણાવે છે કે જિલ્લામાં ૧.૩૬ લાખથી વધુ લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી એવા લોકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગ પાસે હાલ ૧.૨૦ લાખથી વધુ જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતમિત્રો દિવાળીના તહેવારો બાદ ખેતીકામ અને અન્ય કામકાજ પૂર્ણ કરી થોડી રાહત અનુભવતા હશે એવામાં જો થોડો સમય ફાળવી વેક્સીન લઈ લેશે તો કોરોના સામે રક્ષણ મેળવી શકશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલએ આ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૬૮ જેટલી સાઈટ (આરોગ્ય કેન્દ્રો અને અન્ય જગ્યાઓએ) ઉપર આરોગ્ય વિભાગના મેડીકલ ઑફિસરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો, આશાબહેનો એમ કુલ મળી ૧૫૦૦ થી વધુ કર્મીઓ ફરજ બજાવશે. આખા જિલ્લામાં એક લાખથી વધુ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લાના ખેડૂતમિત્રોએ વાવણીથી લઈને કાપણી સુધીની દરેક ખેતીલક્ષી પ્રક્રિયા પૂર્ણ કરી છે એવામાં મહત્તમ લોકોને આ વેક્સીનેશન ડ્રાઈવનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રસીકરણ નિશ્ચિત સુરક્ષા સુનિશ્ચિત અંતર્ગત સંપૂર્ણ રસીકરણના લક્ષને વેગવંતું બનાવવા ૩ થી ૩૦ નવેમ્બર સુધી ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ કર્યું છે જેમાં જે જે લોકોએ હજુ સુધી વેકસીનનો પ્રથમ કે બીજો ડોઝ નથી લીધો તેવા લોકો લાભ લઈ શકે છે.