જામનગર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડી.કે.વી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ“ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીનીઓને “કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી” અંગે કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણશ્રી હંસાબહેન ટાઢાણી દ્રારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને દહેજ અને તેને સંલગ્ન કાનૂની બાબતો વિશે વિસ્તૃત માહિતી આપેલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.ફિલ્ડ ઓફિસર કે.ડી.ચેતરીયા દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી વિશે માહિતી સાથે આવા કોઇ સંજોગો ઊભા થાય તો તેનો કેવી રીતે સામનો કરવો તેના વિશે વિસ્તૃત સમજ આપેલ હતી. ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા મુશ્કેલીના સમયમાં હેલ્પલાઇન કેવી રીતે મદદરૂપ થાય છે અને કેવી રીતે સંપર્ક કરવો તેના વિશે જણાવવામાં આવેલ હતું. તદઉપરાંત કટોકટીના સમયમાં ‘સખી’વન સ્ટોપ સેન્ટર કઇ રીતે મદદરુપ થાય છે અને સેન્ટર પર મહિલાઓને આશ્રયની સાથે કાનૂની, મેડિકલ અને પોલીસની સહાય પણ મળી રહે છે તેવી તમામ બાબતોથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર સોનલ, કોલેજના અધ્યાપકો, મહિલા કલ્યાણ અધિકારી, વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


