આણંદ
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની જેન્ડર કમિટી દ્વારા વ્યક્તિત્વ વિકાસ અને મહિલા સશક્તિકરણ ઉપર વ્યાખ્યાન કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન વ્રજ “૦” ફોર્સ ફાઉન્ડેશન, અમદાવાદના ફાઉન્ડર રૂઝાન ખંભાતાની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરિયાએ યુનિવર્સિટી ખાતે જેન્ડર કમિટીમાં મોટાભાગે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતા ન હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટીમાં એક કૌટુંબિક ભાવનાથી સૌ પરસ્પર સહયોગથી સાથે મળી કામ કરે છે. આવનારા સમયમાં દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વનું બની રહેશે તેમ જણાવી રૂઝાન ખંભાતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રૂઝાન ખંભાતાએ વ્યક્તિત્વ વિકાસ, સ્વરક્ષણ, ઘરેલું હિંસા, જાતિય સતામણી જેવા મુદ્દાઓને આવરી લઇ સંશોધન આધારિત મુદ્દાવાર પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજ આપી હતી. જેન્ડર કમિટીના ચેરપર્સન ડો. મંજુલા કુલશ્રેષ્ઠે પ્રારંભમાં સૌને આવકારી યુનિવર્સિટીમાં મહિલા કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીનીઓ ઘણી મોટી સંખ્યા છે, તેમજ ખેતીવાડી મહિલા મંડળ પણ સક્રિય છે અને યુનિવર્સિટીમાં દરેક બહેનોને સલામત તેમજ કૌટુંબિક વાતાવરણ મળી હે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા મંડળના પ્રમુખ જયા કે. કથીરિયા, કુલસચિવ ડો. જી. આર. પટેલ, કોલેજના ડિન અને આચાર્ય ડો. વાય. એમ. શુક્લ, વિદ્યાર્થી કલ્યાણના નિયામક ડો. ડી. એચ. પટેલ, અધિકારીઓ- કર્મચારીઓ, યુનિવર્સિટીની વિવિધ કોલેજાેનો વિદ્યાર્થીનીઓ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં કામ કરતી મહિલા કર્મચારી, અધિકારીઓ અને યુનિવર્સિટી ખાતે કાર્યરત ખેતીવાડી મહિલા મંડળના હોદ્દેદાર બહેનો હાજર રહ્યા હતાઆણંદ કૃષિ યુનિવર્સિટીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત વ્યક્તિત્વ વિકાસ અને મહિલા સશક્તિકરણ ઉપર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વરક્ષણ, ઘરેલું હિંસા, જાતિય સતામણી જેવા મુદ્દાઓને ઉપર પ્રેઝન્ટેશનની મદદથી વિગતવાર સમજ આપવામાં આવી હતી.
