મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ“ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક,વ્હોટ્સએપ ,ઇન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેમ્સ જેવી પ્રવૃતિમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ ,ચિત્ર સ્પર્ધા ,ટેલીવીઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડિયો /વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવી રહયા છે.
આ હેતુને સુચારુ પાર પાડવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ) ધ્યાને રાખીને “દિવાળી“ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩” X ૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.૦૧/૧૧/૨૦૨૧ થી ૨૨/૧૧/૨૦૨૧ સુધીમાં બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ,જન્મ તારીખનો દાખલો)ની ઝેરોક્ષ અને બેન્કની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાંથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જીલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦, દ્રિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦, તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/-એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦(પ્રત્યેક)મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે.
જીલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી ૨૨/૧૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, રાજ્પાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

