Gujarat

એબીવીપી કાર્યકરો દ્વારા મ.સ.યુનિ. કલાર્ક રૂમને તાળુ મારી દેતા સ્ટાફ પુરાયો

વડોદરા
પોલિટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ વિરેન્દ્રસિંહ ખૈરે જણાવ્યું કે, ‘૧૧-૩૦ વાગ્યાના સુમારે એબીવીપીના કેટલાક માણસો મારી પાસે આવ્યા અને ‘એ વિદ્યાર્થીને બોલાવો અમારે મારવો છે’ એવી માગણી કરતાં મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ક્લાર્કને પૂરી દેતાં પોલીસ બોલાવવી પડી હતી. ૨૦ મિનિટ માટે કારકૂન સ્ટાફ પૂરાયેલો રહ્યો હતો. ૫૦થી ૬૦ લોકોએ અડિંગો જમાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.સવારે જે બબાલ થઇ હતી તેમાં શરૂઆત એબીવીપીએ જ કરી હતી. આ દરમિયાન એક છોકરીઓને પણ વાગી ગયું હતું. પણ અમે કોઇને માર્યા નથી. એ મેટર સવારે જ સોલ્વ થઇ ગઇ હતી. બપોરે પણ એબીવીપી દ્વારા જ ઉશ્કેરણી કરીને ભયનો માહોલ ઊભો કરાયો હતો. જ્યારે એબીવીપીના વ્રજ ભટ્ટે જણાવ્યું કે, અમે પોલિટેક્નિકમાં કેમેરા ચાલુ ન હોવા અંગે રજૂઆત કરવા ગયા હતા ત્યારે એનએસયુઆઇના નેતાઓએ દંડા સાથે ધસી આવી પોલીસની હાજરીમાં અમારા પર હુમલો કર્યો હતો મારામારીમાં એબીવીપીના ઓમ ચૌધરી પર એનએસયુઆઇના કાર્યકરોએ હુમલો કરતાં તેના માથા અને હાથના ભાગે ઇજા થઈ હતી. જેથી લોહી નિંગળતી હાલતમાં તેને એસએસજી લઇ જવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ‘અચાનક જ આવીને મારા પર હુમલો કરવામાં આવ્યો હતો.’ મ.સ. યુનિ.ની સેનેટની ચૂંટણીઓના પહેલા રાઉન્ડમાં સંકલન સમિતિની કારમી પછડાટ બાદ તેની વાહિની એબીવીપીએ હવે યોજાનારી ટીચર્સ કેટેગરીની ચૂંટણી અગાઉ પોલિટેક્નિક કેમ્પસમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. એનએસયુઅઆઇ અને એબીવીપી જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે નજીવા મુદે મારામારી થઇ હતી. જે બાદ એબીવીપીના કાર્યકરોએ ઓફિસમાં હલ્લો બોલાવ્યો હતો. કાર્યકરોએ કલાર્ક રૂમને તાળુ મારી દેતા ૨૦ મિનિટ સુધી સ્ટાફ પૂરાઇ રહ્યો હતો. પોલીસ આવ્યા બાદ સ્ટાફનો છુટકારો થયો હતો. બીજી તરફ પોલિટેક્નિકના આચાર્યે એબીવીપીના કાર્યકરો વિશે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ પોલિટેક્નિકના ન હતા, બહારથી આવેલા લોકોએ માહોલ બગાડયો હતો. આગામી મહિને એબીવીપીનું સંમેલન હોવાથી પોલિટેક્નિકના સિવિલ ડિપાર્ટમેન્ટના ત્રીજા વર્ષના ઓમ ચૌધરીએ સોશિયલ મીડિયામાં તેને લગતી પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. સોમવારે સવારે ૯ વાગ્યાના અરસામાં અચાનક ત્યાં એનએસયુઆઇના નેતાઓએ આવી જઇને તેને માર્યો હતો. તે સમયે એક વિદ્યાર્થિનીને પણ વાગી ગયું હતું. આ મુદ્દે મામલો ગરમાયો હતો. પોલિટેક્નિક કેમ્પસમાં ન ભણતા એબીવીપીના કાર્યકરોએ સવારે આચાર્યની ઓફિસમાં જઇને ‘એ વિદ્યાર્થીને બોલાવો અમારે મારવો છે’ એમ કહીને હોબાળો કર્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં પટાવાળાને ધમકાવીને તેની પાસેથી ચાવી ઝૂંટવીને પોલિટેક્નિક કોલેજની ક્લાર્ક રૂમની તાળાબંધી કરી લગભગ એક કલાક સુધી કેમ્પસને બાનમાં લીધું હતું. છેવટે પોલિટેક્નિકના પ્રિન્સિપાલ વિરેન્દ્રસિંહ ખૈરે પોલીસને જાણ કરતાં પોલીસ આવતાં ચાવીથી તાળું ખોલવામાં આવ્યું હતું. સવારે ૮-૩૦ વાગ્યાથી ૩ વાગ્યા સુધીના ૭ કલાક એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઇના પોલિટેક્નિકના વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની ચડસાચડસીમાં પોલિટેક્નિકના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ ફેલાયેલો રહ્યો હતો. ત્યારબાદ બપોરે ૨ વાગ્યા સુધીમાં તો બહારથી એબીવીપીના સંખ્યાબંધ કાર્યકરો આવી ગયા હતા. પોલીસની હાજરીમાં જ એનએસયુઆઇના નેતાઓ વ્રજ પટેલ અને હરી ઓડ પર હુમલો કર્યો હતો. આ દરમિયાનની ઝપાઝપીમાં એબીવીપીનો ધ્રુવરાજ પુરોહિત પણ ઘાયલ થયો હતો. પોલીસે આ બનાવમાં વ્રજ પટેલ અને હરી ઓડની અટકાયત કરી હતી. એનએસયુઆઇ અને એબીવીપીએ સામસામે ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મોડી રાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *