એસ.ટી. કર્મચારીઓ પોતાની જૂની પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને સરકાર સામે બાથ ભીડી લેવાના મૂડમાં છે ત્યારે આજ રાત્રી સુધીમાં સરકાર દ્વારા એસ.ટી. કર્મચારીઓની પડતર માંગણીઓ નહિ સ્વીકારે તો એસ.ટી. કર્મચારીઓ આજે મધરાતથી માસ સી.એલ. પર ઉતરી જવાનાં છે જેને લઈને ગુજરાતભરની લગભગ 8000થી વધુ એસ.ટી. બસના પૈડા થંભી જશે જેના કારણે એસ.ટી.માં મુસાફરી કરતા 25 લાખથી વધુ લોકોને અસર પહોંચે તેવી સંભાવના છે.
જેતપુર એસ.ટી. વર્કશોપના કર્મચારી કિરીટસિંહ એ. ઝાલાના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી જૂની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા એક મહિના અગાઉ હડતાલ માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે સરકારે 10 દિવસનો સમય માંગ્યો હતો પરંતુ હજુ સુધી પડતર માંગણીઓનો નિકાલ ન આવતા આજે મધરાતથી ગુજરાતભરના એસ. ટી. કર્મચારીઓ માસ સી.એલ. પર જવાનાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી પોતાની પડતર માંગણીઓ જેવી કે પગાર વધારો, મોંઘવારી ભથ્થું, સાતમા પગારપંચનું બાકી એલિયન્સ, બોનસ બાકી છે તેમજ છેલ્લા દસ વર્ષથી એસ.ટી. કર્મચારીઓને ડ્રેસ પણ ફાળવવામાં આવ્યા નથી જેને લઈને એસ.ટી. કર્મચારીઓ લાલઘુમ છે અને આ બાબતે એક મહિના અગાઉ જ સરકારને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ગુજરાતભરના એસ.ટી. કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી જવાનાં છે અને જો આવતીકાલ સુધીમાં સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર નહિ આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલના મંડાણ પણ થઇ શકે તેમ છે.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


