અમદાવાદ: શહેરની નૂતન મિલ પાસે GHB કોલોનીમાં રહેતાં માઇનિંગ વેપારીને કમિશનર ભૂસ્તર વિભાગમાંથી બીડ સિક્યુરિટી રકમનું રીફંડ પરત અપાવવાનું કહી બાપ-બેટાની ત્રિપુટીએ રૂ.7 લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હતી. સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ઠગ પિતા અને બે પુત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
2019ની સાલમાં કમિશનર ભૂસ્તર અને ખનીજ વિભાગ તરફથી રેતીના 32 બ્લોક માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા થઈ હતી. જેમાં નૂતન મિલ GHB કોલોનીમાં રહેતા અભિષેક સુભાષ ચૌધરીએ ભાગ લીધો હતો. જોકે તેઓને 30 બ્લોકનું ટેન્ડર મળ્યું ન હતું. જેના પગલે 30 બ્લોકની બીડ સિક્યુરિટી એમાઉન્ટ રિફંડ લેવાની હોવાથી અભિષેક ચૌધરીએ જશોદાનગર ખાતે ઓફિસ ધરાવતા ડૉ.ભૂપત સવાણી અને તેમના પુત્ર બ્રિજેશ અને દર્શિત સાથે મુલાકાત કરી હતી. બ્રિજેશે હું કમિશનર ભૂસ્તર વિભાગનો કર્મચારી છું. તમારી એમાઉન્ટ પરત અપાવી દઈશ તેમ કહ્યું હતું.
2019માં એક બીડના પૈસા પરત આવ્યા પણ 29 બીડની રકમ આવી ન હોવાથી અભિષેકે ભૂસ્તર વિભાગમાં તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, બ્રિજેશે તેનું ફર્મનું બેંક એકાઉન્ટ ઓનલાઇન અપલોડ કરી અભિષેકનું બેંક એકાઉન્ટ હટાવી દીધું હતું. જેથી 29 બ્લોકના બીડની રકમ રૂ.7,15,057 બ્રિજેશે અપલોડ કરેલા એકાઉન્ટમાં જમા થયા છે.
આથી અભિષેકે બાપ-બેટાની ત્રિપુટીને બીડની રકમ અંગે વાત કરતા ત્રણે જણા ઉશ્કેરાઈ ગયા અને ધમકી આપી હતી કે ફરી એમાઉન્ટની વાત કરી તો તારો ધંધો બંધ કરાવી દઈશું.આખરે અભિષેકે આરોપીઓ વિરૂદ્ધ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ રજિસ્ટર કરાવી છે.


