અમરેલી જિલ્લાના ખાંભા ખાતે ખાંભા તાલુકાના ૨૮ ગામોના કિસાનોને દિવસે વીજળી આપતી મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના એ ખરા અર્થમાં ખેડૂતો માટે વિજક્રાન્તિ લાવનાર ઐતિહાસિક યોજના છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ૨૮ ગામોને આ યોજનાનો આજથી લાભ મળશે. આ યોજનાના અમલથી ખેડૂતોને દિવસે વીજળી મળવાથી અનેક ફાયદાઓ થશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના હોય કે પછી ગામડાઓના રોડ-રસ્તા, આરોગ્ય કે શિક્ષણની વ્યવસ્થા. રાજ્ય સરકારે હરહંમેશ ખેડૂતો અને ગામડાઓના હિતમાં નિર્ણયો લીધા છે.
