ધારાસભ્યો અને નેતાઓએ પોતાના માનીતાને ટિકિટ અપાવવા ધમપછાડા શરૂ કર્યાં
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગઈકાલે બીજી વખત ઉમેદવારોની યાદી જાહેર થવા સાથે જ કકળાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે બીજી યાદીમાં નવા ચહેરાઓને તક આપતા પાર્ટીમાં આંતરિક કકળાટ ચરમ પર પહોંચી ગયો છે.
ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના 10 વોર્ડના 38 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગોતા, ચાંદલોડીયા, રાણીપ, થલતેજ, નવા વાડજ, ઘાટલોડીયા, નરોડા, નવરંગપુરા અને વાસણા એમ જ્યાં વિવાદ નથી તેવા 10 વોર્ડમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. આ 10 વોર્ડમાંથી 9 વોર્ડ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના છે. જ્યારે પૂર્વમાં એકમાત્ર નરોડામાં ઉમેદવાર જાહેર કર્યા, જે વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે.
જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. શહેરના 48 વોર્ડ માટે 1450 લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેના કારણે કોંગ્રેસ માટે ટિકિટની ફાળવણી મોટો માથાનો દુખાવો બની છે. આટલું જ નહીં, અમદાવાદના ધારાસભ્યો પણ પોતાના માનીતાઓને ટિકિટ આપવા માટે જીદે ચઢ્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમાર શહેરના દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં પોતાની પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપાવાની જિદ કરી રહ્યાં છે, તો બીજી તરફ પાર્ટીના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પોતાના મનપસંદ ઉમેદવારોને ઉતારવા માંગે છે.
આવી જ રીતે દરિયાપુર, શાહપુર વોર્ડમાં ગ્યાસુદ્દીન શેખ પોતાના માનીતા માટે ટિકિટ માંગી રહ્યાં છે, તો ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને કોંગ્રેસ શહેર પ્રમુખ શશિકાન્ત પટેલ પણ પોતાની પસંદગીના ઉમેદવારો માટે ટિકિટ માંગી રહ્યાં છે. જ્યારે ધારાસભ્ય લાખા ભરવાડે લાંભા વોર્ડ માટે પુત્રને ટિકિટ મળે તે માટે પોતાની વગ વાપરી રહ્યાં છે. આ સિવાય કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા પોતાની પ્રેમિકાને ટિકિટ મળે, તે માટે ધમપછાડા કરી રહ્યા છે. આ વિસ્તારમાં જૂના નેતાને ટિકિટની માંગ કરી છે, ત્યારે હવે અહીં કોઈ નવોદિત મહિલા ઉમેદવારને ટિકિટ મળશે, તો બળવો થવાની શક્યતા છે.
આ ચૂંટણીમાં ભાજપ સિવાય આપ અને AIMIM પણ મેદાનમાં હોવાથી કોંગ્રેસ પણ પોતાની રણનીતિ બદલી રહી છે અને નવા ચહેરાઓને તક આપી રહી છે. જેના કારણે જૂના નેતાઓને પોતાનું પત્તુ કપાઈ જવાનો ડર લાગે તે સ્વાભાવિક છે. કોંગ્રેસના નવા વાડજ વોર્ડના પ્રમુખ અરવિંદ રાઠોડે પાર્ટી નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપી દીધુ છે. અરવિંદ રાઠોડે જણાવ્યું કે, હું 35 વર્ષથી પાર્ટી માટે કામ કરુ છું. આમ છતાં મને વિશ્વાસમાં લેવાયો નથી અને બારોબાર ટિકિટ આપવામાં આવી છે. જેઓ કોઈ દિવસ દેખાતા નથી એવા લોકોને ટિકિટ આપતા મેં રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ માટે આવી જ સ્થિતિ અન્ય વોર્ડમાં પણ થાય તો કંઈ નવાઈ નહીં.


