Gujarat

કોરોના મહામારી વચ્ચે ‘મનરેગા’એ બનાવ્યો રેકોર્ડ, આ વર્ષે 10 કરોડ લોકોને મળ્યો રોજગાર

નવી દિલ્હી: કોરોના મહામારીના (Corona Pandemic) પગલે જ્યાં એક તરફ અર્થ વ્યવસ્થાને (Indian Economy) માઠી અસર પહોંચી છે, ત્યાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ (MNREGA Scheme) નો લાભ ઉઠાવનાર શ્રમિકોની સંખ્યા પ્રથમ વખત 10 કરોડનો આંકડો પાર કર્યો છે.

MGNREGA પોર્ટલ પર મળતાં આંકડો અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષમાં 10 જાન્યુઆરી સુધી દેશભરમાં 10 કરોડથી વધુ શ્રમિકોએ આ યોજના અંતર્ગત કામ કર્યું છે. જે 2019-20ના 7.89 કરોડના આંકડા કરતાં 21 ટકા વધુ છે

જો કે હજુ ચાલુ નાણાંકીય વર્ષમાં 2 મહિના બાકી બચ્યા છે. જેમાં આ આંકડો વધવાની શક્યતા છે. 2006માં યોજનાની શરૂઆત બાદ 10 કરોડની સંખ્યા સૌથી અધિક છે. અગાઉ સૌથી વધુ સંખ્યા 2011-12માં હતી, જ્યારે 8.2 કરોડ લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો હતો.

આ નાણાંકીય વર્ષમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંખ્યા જોવા મળી. જેમાં 1.07 કરોડ લોકોએ 10 જાન્યુઆરી સુધી આ યોજનાનો લાભ ઉઠાવ્યો હતો. જે બાદ ઉત્તર પ્રદેશ (1.06 કરોડ) રાજસ્થાન (99.25 લાખ) મધ્ય પ્રદેશ (91.62 લાખ) આંધ્ર પ્રદેશ (77.57 લાખ) અને તમિલનાડુ (75.37)નો નંબર છે.

મનરેગા અંતર્ગત દરેક ગ્રામીણ પરિવારથી એક વયસ્ક સભ્યને નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કામ મળે છે.

આ નાણાંકીય વર્ષમાં 10 જાન્યુઆરી સુધી આ યોજનાનો લાભ ઉઠાવનારા પરિવારોની સંખ્યા 6.87 કરોડના અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ચૂકી છે. અગાઉ 2019-20માં 5.48 કરોડ પરિવારોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો હતો.

ચાલુ નાંણાકીય વર્ષમાં આ યોજના અંતર્ગત જારી કરવામાં આવેલી નવા જૉબ કાર્ડની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. અત્યાર સુધી 1.49 કરોડ પરિવાર (2.68 કરોડ વ્યક્તિઓ)ને નવા જૉબ કાર્ડ મળ્યા છે. અગાઉ 2019-20માં 68.26 લાખ પરિવારો (1.27 લાખ વ્યક્તિ)ઓને જૉબ કાર્ડ મળ્યા હતા. આ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા 1 લાખ કરોડ રૂપિયામાંથી 87,520 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *