રાજકોટ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર ઉપર પાટીદાર આંદોલનમાં જાેડાયેલા યુવાનો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે સરકાર ઉપર દબાણ ઉભું થઇ રહ્યું છે તો બીજી તરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. ભાજપના ૫ પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઇને પાટીદારો પરના કેસો પરત ખેંચવાની ભલામણ કર્યા બાદ હવે પાટણના ભાજપના જ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર આંદોલનને કારણે થયેલા કેસો પણ પરત ખેંચવાની માગણી કરી છે.પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને પાછા ખેંચવા પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રીને ભલામણ કરી હતી. ત્યારે હવે ક્ષત્રિય સમાજે પણ પોતાના સમાજના યુવાનો પર થયેલા કેસોને પાછા ખેચવા સરકાર પાસે માગ કરી છે. રાજપુત કરણીસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, પદ્માવત ફિલ્મ સમયે થયેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા બાકી રહેલા પોલીસ કેસો પરત ખેંચવા સરકાર પાસે માગણી છે. જે.પી.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી માગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પાસે એ છે કે, પદ્માવત ફિલ્મ સમયે આંદોલન વખતે ક્ષત્રિય સમાજના યુવાનો પર કેસ થયા હતા તે વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે પાછા ખેંચવા બાયેધરી અમને આપી હતી. તેમાં અમુક કેસો પાછા ખેચાયા હતા પરતં હજી સુધી અમુક કેસો પાછા ખેચાયા નથી. આ પાછા ન ખેચાયેલા કેસો પાછા ખેચવામાં આવે. રાજપુત કરણીસેનાની તમારી પાસે આશા કે અમારી રજુઆતને ગ્રાહ્ય રાખવી.
