Gujarat

ખંભાળિયામાં ક્રિકેટનો સટ્ટો ચલાવતો એક શખ્સ ઝડપાયો

ખંભાળિયા પંથકમાં વધતા જતા ક્રિકેટના સટ્ટા પર કાબૂ મેળવવા અંગે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબી પોલીસે ગત રાત્રીના સમયે અહીંના એક શખ્સને સટ્ટો રમતા મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ પ્રકરણમાં આઈ.ડી. આપનાર ગઢવી શખ્સ સહિત અન્ય ચાર શખ્સોના નામ પણ ખુલ્યા છે.

આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા ટાઉનમાં ક્રિકેટના સટ્ટા અંગે જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફ દ્વારા રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન અહીંના મિલન ચાર રસ્તા પાસે આવેલી જી.ઈ.બી. કચેરીની બાજુમાં રહેલી જુદી-જુદી કેબીનો પાસે બેસીને એક શખ્સ દ્વારા ક્રિકેટનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ચાવડા તથા સહદેવસિંહ જાડેજાને મળતા આ સ્થળે એલ.સી.બી. સ્ટાફે કાર્યવાહી કરી, ખંભાળિયા તાલુકાના હંસ્થળ ગામે રહેતા અને બોરવેલના ધંધા સાથે સંકળાયેલા ખીમા જીવાભાઈ દેથરિયા નામના 38 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ દ્વારા પોતાના જુદા જુદા બે મોબાઈલમાં આઈ.ડી. મારફતે ઓનલાઈન આઈ.પી.એલ. ક્રિકેટ ઉપર જુદા જુદા ગ્રાહકો સાથે ક્રિકેટ મેચ પર રનફેર, વિકેટ અને ઓવર તથા હારજીતના પરિણામ ઉપર ઓનલાઈન અને રોકડ પૈસાની હારજીત કરી, ક્રિકેટના સટ્ટાનો જુગાર રમવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.પોલીસે ઉપરોક્ત પાસેથી રૂપિયા 7,200 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 12,200 ના મુદ્દામાલ ઉપરાંત ક્રિકેટના સટ્ટા અંગેના મોબાઈલમાં સ્ક્રીન શોટ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી

ઝડપાયેલા ખીમા દેથરીયા દ્વારા બેરાજા ગામના માલદે ચાવડા નામના શખ્સને સાથે રાખી અને ખંભાળિયામાં રહેતા ડાડુ સીદા જામ નામના ગઢવી શખ્સ પાસેથી આઈ.ડી. મેળવી, અન્ય બે મોબાઈલ નંબર ધરાવતા શખ્સો સાથે મળી અને ક્રિકેટના સટ્ટાનો જુગાર રમાતો હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે.

આ અંગે પોલીસે ધોરણસર ગુનો નોંધી, આ પ્રકરણમાં ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, દેવશીભાઇ ગોજિયા, બિપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, મસરીભાઈ આહીર, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ ગોહીલ, જીતુભાઈ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

cricket-satto-1068x601.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *